ત્રાલસા ની એમ ઝેડ પટેલ શાળા દ્વારા “ત્રિરંગા યાત્રા” તેમજ નશામુક્તિ જાગૃતિ અભિયાન યોજાયું હતું.૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ત્રિરંગા સાથે ગામમાં દેશભક્તિમય વાતાવરણસર્જ્યું હતું.નશાના દૂષણો અને તેના નિવારણ અંગે ચૈતાલી દીદીએ વિદ્યાર્થીઓને સમજ પુરી પાડી હતી.ત્રાલસાની શ્રી જે. ઝેડ. પટેલ સાર્વજનિક વિદ્યામંદિર તથા શ્રીમતી એમ. ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે ત્રિરંગા યાત્રા તથા નશામુક્તિ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ત્રિરંગા યાત્રામાં ધોરણ ૧થી ૧૨ના આશરે એક હજાર થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

હાથમાં ત્રિરંગો અને હૃદયમાં દેશભક્તિ સાથે વિદ્યાર્થીઓએ સમગ્ર ગામમાં યાત્રા યોજી હતી. “જય જવાન, જય કિસાન”, “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” જેવા દેશભક્તિના નારાઓથી સમગ્ર ત્રાલસા ગુંજી ઉઠતા ગામમાં દેશભક્તિમય માહોલ સર્જાયો હતો.આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાના ગૌરવગાન અને “હર ઘર તિરંગા” અભિયાનના સંદેશને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે યુવા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ઓમ શાંતિ ઓમ પ્રભુ પ્રેરણાધામ, વાગરાના સંચાલક ચૈતાલી દીદીના માર્ગદર્શન હેઠળ નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ચૈતાલી દીદીએ વિદ્યાર્થીઓને નશાના કારણે વ્યક્તિ, પરિવાર તથા સમાજ પર થતી ગંભીર અસરો અંગે વિવિધ ઉદાહરણો સાથે સમજ આપી હતી.

સાથે જ નશાથી દૂર રહી સ્વસ્થ અને ઉજ્જવળ જીવન જીવવાના ફાયદાઓ વિશે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ચૈતાલી દીદીએ શાળાના શિક્ષકમિત્રોને પવિત્ર રક્ષાકવચ સમાન રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધ સાથે સમાજને નશામુક્ત બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા ચૈતાલી દીદીનું ઉષ્માભેર સ્વાગત કરી નશામુક્તિ જેવા મહત્વપૂર્ણ સામાજિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ત્રિરંગા યાત્રા અને નશામુક્તિ અભિયાન થકી દેશભક્તિ સાથે વ્યસનમુક્ત સમાજના નિર્માણનો સશક્ત સંદેશ ત્રાલસા ગામમાં આપવામાં આવ્યો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









