વાગરા તાલુકાના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કંપનીના કામદારોને લાવવા-લઈ જતી પાર્ક કરેલી લક્ઝરી બસના ડ્રાઇવરને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી બે શખ્સો બસ લઈને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. જાહેર સ્થળે આ પ્રકારની દાદાગીરી અને ધાકધમકીની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. ફરિયાદ મુજબ, ડ્રાઇવર રવિભાઇ બાબુભાઇ પટેલ બસ લેવા પહોંચ્યા ત્યારે લખીગામના ભાવેશ પ્રભુભાઇ આહિર અને દહેજના જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ ત્યાં ઇકો કારમાં આવ્યા હતા. ભાવેશે સીધો બસમાં બેસીને બસ ચાલુ કરી દીધી હતી. ડ્રાઇવરે વિરોધ કરતાં બંનેએ ગાળો બોલી ધમકી આપી કે, સાઇડમાં હટી જા, નહીં તો બસ ચડાવી દઈશું. ત્યારબાદ ભાવેશ બસ લઈને નીકળી ગયો જ્યારે જયદેવસિંહે પણ ડ્રાઇવરને શેઠ સાથે વાત કરી લેવાની ધમકી આપીને સ્થળ છોડી દીધું હતું. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જાહેરમાં ધાકધમકી આપી વાહન કબજે કરવાની આ ઘટના અત્યંત ગંભીર માનવામાં આવી રહી છે. બનાવ અંગે ડ્રાઇવર રવિભાઇ પટેલની ફરિયાદના આધારે દહેજ પોલીસે ભાવેશ પ્રભુભાઇ આહિર અને જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ આરોપીઓ સામે કેટલી કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
ડિજિટલ યુગ ન્યૂઝ ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









