વાગરાના સલાદરા બસ સ્ટેન્ડ નજીક આયશા રેસિડેનસીનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.જેમાં કામ કરતી શ્રમિક યુવતીને દુકાનનું શટર બંધ કરવા જતા વીજ કરંટ લાગવાથી તેણીનું મોત નિપજવા પામ્યું હતું.વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.વીજ કરંટ લાગવાથી ૧૯ વર્ષની યુવતીનું મોત નિપજતા પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.બાંધકામ નિર્માણકાર્ય કરનાર સંચાલકોની બેદરકારી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક નિર્માણાધીન આયશા રેસિડેન્સી ખાતે શુક્રવારે સવારે કરુણ ઘટના બની હતી.જેમાં એક પરપ્રાંતીય યુવતીનું શટર ખોલવા જતા વિજશોકનો આંચકો વાગતા મોત ને ભેટી હતી.મૂળ મધ્ય પ્રદેશની વતની અને હાલ કન્સ્ટ્રકશન સાઇટ પર રહેતી ૧૯ વર્ષીય રવીનાબેન સંજયભાઈ રાજુભાઈ સિંગાડીયાનું કરૂણમોત નિપજ્યું હતું, જ્યારે તેને બચાવવા મદદે દોડી ગયેલી અન્ય મહિલાને પણ કરંટ લાગતા બંને ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યા એક મહિલા શ્રમિકનું મોત નીપજ્યું હતું.જ્યારે બીજી મહિલાની સારવાર ચાલી રહી છે.વાગરા-ભરૂચ મેન રોડ પર સલાદરા બસ સ્ટેન્ડ નજીક આયશા રેસિડેન્સીનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.જ્યા બિલ્ડિંગના નીચેના ભાગે બનાવવામાં આવેલી દુકાનોમાં સાઈટ પર કામ કરતા મજૂરો વસવાટ કરી રહ્યા છે. શુક્રવારે સવારે રવીનાબેન દુકાનનું શટર બંધ કરી રહ્યા હતા તે દરમિયાન શટરના નીચે રહેલા વીજ વાયર શટર ને અડી જતા તેમને જોરદાર વીજ ઝાટકો લાગ્યો હતો.વીજ કરન્ટ લાગતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. રવીનાબેનને બચાવવા માટે દોડી આવેલ દુર્ગાબેન પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. બંને મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરના તબીબોએ રવીનાબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બીજી મહિલાની સારવાર ચાલી રહી હોવાની માહિતી સાંપડી છે.અકસ્માત ને પગલે સુરક્ષામાં બેદરકારી અંગે સવાલો ઉદ્દભવી રહયા છે. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.સ્થાનિકોમાં સદર ઘટનાને પગલે ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોની માંગ છે કે જો બેદરકારીના કારણે આ દુર્ઘટનામાં યુવતીનું મોત નીપજ્યું હોય તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા









