આણંદ (SOG) શાખામાં ફરજ બજાવતા PSI વી.એન. રાઠોડ સહિત બે વ્યક્તિઓ સામે રૂ.૨ લાખની લાંચ લેવા સંબંધિત ગુનો નોંધાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સદર કેસમાં PSI વી.એન. રાઠોડની ધરપકડ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, અન્ય આરોપીની માલિકીની મારુતિ સિયાઝ કારમાંથી તપાસ દરમિયાન રૂ.૪૯ લાખની શંકાસ્પદ રોકડ રકમ મળી આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

મળતી માહિતી અનુસાર આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા તેમજ સંબંધિત ગુનામાં ફરિયાદીની ધરપકડ નહીં કરવા માટે આરોપીઓએ ફરિયાદી પાસે રૂ.૨ લાખની લાંચની માંગણી કરી હતી.આ મામલે બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.નોંધપાત્ર છે કે આણંદ SOGમાં ફરજ બજાવતા PSI વી.એન. રાઠોડ ની ધરપકડ કરવાની બાકી છે. જ્યારે આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ ભીખાભાઈ પટેલનું નામ સામે આવ્યું છે.જેઓની મારુતિ સિયાઝ કારમાંથી રૂ.૪૯ લાખ ની રોકડ રકમ મળી આવી હતી.

આટલી મોટી રોકડ રકમ મળી આવતાં તપાસ એજન્સી માટે આ મુદ્દો પણ મહત્ત્વનો બન્યો છે. જોકે, આ રકમનો ચોક્કસ સ્ત્રોત શું છે અને તેનો લાંચના કેસ સાથે કોઈ સંબંધ છે કે કેમ, તે અંગે પણ એસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ફરિયાદીના બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરાવવા અને ધરપકડ નહીં કરવા માટે લાંચની માંગણી થયાના આક્ષેપો થઈ રહયા છે. સમગ્ર પ્રકરણમા PSIની બાકી ધરપકડ અને કારમાંથી મળી આવેલી રૂ.૪૯ લાખની રોકડના મુદ્દાને લઈ ઉક્ત કેસ ભારે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે એસીબી ત્રાટકતા પોલીસ ના દલાલો ભૂગર્ભમા ઉતરી ગયા હોવાની માહિતી સપાટી પર આવી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ









