ભરૂચ જિલ્લાના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજ્યકક્ષાની વકૃત્વ સ્પર્ધાની બંને કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને બે વિદ્યાર્થીઓએ પોતાની વક્તૃત્વકળા અને વિચારશક્તિનો પરિચય આપ્યો છે.ઉક્ત સ્પર્ધામાં ભરૂચની કેજીએમ વિદ્યાલયમાં ધોરણ-૧૧ માં અભ્યાસ કરતી પટેલ હિમાની તુષારભાઈ અને આમોદ તાલુકાના દોરા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતા રાહિલ રફીકશા દિવાને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

વિચારોની સ્પષ્ટતા, વિષયની સમજ, આત્મવિશ્વાસ અને અસરકારક રજૂઆતના ગુણોનું ઉત્તમ પ્રદર્શન કરીને બંને વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ તેમની મહેનત, સતત અભ્યાસ, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનો સહયોગ મહત્ત્વપૂર્ણ છે.હિમાની પટેલ અને રાહિલ દિવાનની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, શિક્ષકો અને શાળાઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

બંને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ આવી જ રીતે સફળતાનાં શિખરો સર કરે અને પોતાની પ્રતિભાથી સમાજ તથા દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ ચોતરફ થી પાઠવવામાં આવી રહી છે.









