આમોદ ખાતે શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા નિઃશુલ્ક મેડિકલ સાધન સહાય સેવા પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી મેડિકલ સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવા સેવાકીય હેતુથી શ્રી રેવા સેવા સમન્વય સમિતિ, ભરૂચ દ્વારા આમોદમાં મેડિકલ સાધન સહાય સેવા પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. ગાંધી જયંતી ટાણે આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે સેવાકીય પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી પ્રકલ્પને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સાધનોની નિઃશુલ્ક સહાય મળી રહે તેવો આ પ્રકલ્પ સમાજમાં સેવા, સહકાર અને સામાજિક સમરસતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.આ પ્રકલ્પ અંતર્ગત આમોદ તથા આસપાસના વિસ્તારમાં રહેતા એવા દર્દીઓને મેડિકલ સાધનો નિઃશુલ્ક આપવામાં આવશે, જેઓ આ સાધનો ખરીદવામાં આર્થિક રીતે સક્ષમ ન હોય. કુલ ૧૧ પ્રકારના આશરે ૪૫ મેડિકલ સાધનો જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરાવવામાં આવશે.સાધનોમાં હોસ્પિટલ બેડ, એર બેડ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, સ્ટેન્ડ, વોકર, વ્હીલચેર, ટોયલેટ ચેર, સ્ટિક, ઓક્સિજન સિલિન્ડર, સ્ટ્રેચર તથા બેડ રેસ્ટ સ્ટેન્ડ સહિતના જરૂરી મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે.ખાસ કરીને લાંબા સમયથી બીમાર દર્દીઓ, વૃદ્ધો, અકસ્માત બાદ ચાલવામાં અસમર્થ દર્દીઓ તેમજ ઘરે સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. મોંઘા મેડિકલ સાધનો ખરીદવાની મુશ્કેલી ધરાવતા પરિવારોને આ પ્રકલ્પથી આર્થિક રાહત સાથે સારવારમાં પણ સુવિધા મળશે

આ સેવાકીય પ્રકલ્પ માટે ધારાસભ્ય સ્વામી તરફથી પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જણાવાયું હતું.લોકાર્પણ પ્રસંગે શ્રી રેવા સેવા સમન્વય ટ્રસ્ટના કર્મચારી નચિકેતભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આમોદ તાલુકા કાર્યવાહ ક્રિમેશભાઈ સહિત ગામના આગેવાનો અને સેવાભાવી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આમોદ અને આસપાસના જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરાયેલ આ સેવાકીય પહેલથી હવે જરૂરી મેડિકલ સાધનો નિઃશુલ્ક અને સરળતાથી ઉપલબ્ધ બનશે, જેનાથી અનેક પરિવારોને રાહત મળવાની આશા સેવાઈ રહી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ , આમોદ









