વાગરાની બેન્ક ઓફ બરોડા વિલાયત ગામૅ ખસેડાતા હજારો ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાની બેન્ક ઓફ બરોડા વિલાયત ગામે ખસેડાતા હજારો ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે.બેન્કિંગ કામકાજ માટે હવે ખાતેદારો ને વિલાયત સુધી લાંબું થવું પડે છે,જેને કારણે સ્થાનિક ગ્રાહકોમાં ભારે નારાજગી પ્રવર્તી જવા પામી છે.વાગરા તાલુકાના લોકો માટે મહત્વની ગણાતી બેન્ક ઓફ બરોડાની શાખા વાગરાથી વિલાયત ખસેડવામાં આવતા હજારો ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા હોવાની વિગતો સામે આવી છે.બેન્કની શાખા તાલુકા મથકે થી દૂર ગામડામાં ખસેડાતા ખાસ કરીને વડીલો, મહિલાઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને રોજિંદા બેન્કિંગ વ્યવહારો કરતા અસંખ્ય બેન્ક ગ્રાહકો માટે મુશ્કેલીમાં વધારો નોંધાયો છે. અગાઉ વાગરા ખાતે જ બેન્કિંગ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહેતી હતી,પરંતુ હવે ખાતેદારોને સામાન્ય બેન્કિંગ કામકાજ માટે પણ વિલાયત સુધી લાંબું અંતર કાપવું પડે છે. જેના કારણે સમય અને મુસાફરીના ખર્ચ સાથે ગ્રાહકોને અનેક પ્રકારની અગવડતાઓ નો સામનો કરવો પડી રહ્યો છે.વાગરા તાલુકામાં મોટી સંખ્યામાં લોકો બેન્ક ઓફ બરોડા સાથે જોડાયેલા હોવા છતાં બેંકનું મકાન જર્જરિત હોવાનું બહાનું આગળ ધરી શાખા અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય ગ્રાહકોના હિતમાં કેટલો યોગ્ય છે?? તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને તાત્કાલિક બેન્કિંગ કામકાજ, રોકડ વ્યવહાર, પાસબુક, KYC, લોન સંબંધિત કામગીરી સહિતના કામ માટે સ્થાનિક ખાતેદારોને હવે વિલાયત જવું પડે છે.“ખાતું વાગરામાં, તો સેવા લેવા વિલાયત કેમ?” એવો સવાલ હવે ખાતેદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.સ્થાનિક બેન્ક ગ્રાહકોનું કહેવું છે કે બેન્ક જેવી મૂળભૂત નાણાકીય સેવા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉપલબ્ધ હોવી જોઈએ. શાખા ખસેડવાના કારણે જો હજારો ખાતેદારોને મુશ્કેલી પડતી હોય તો બેન્કના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે તાત્કાલિક પુનર્વિચાર કરવો જોઈએ.વાગરા ખાતે બેન્ક ઓફ બરોડાની શાખા ફરી શરૂ કરવામાં આવે અથવા ઓછામાં ઓછું વાગરા વિસ્તારમાં પૂરતી બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, તેવી માંગ ઉઠી રહી છે.ગ્રાહકોની મુશ્કેલીને અવગણવાને બદલે બેન્ક તંત્ર દ્વારા સ્થળાંતરના નિર્ણય અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને ખાતેદારોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ બુલંદ થઈ રહી છે.

આશરે એક માસ જેટલા સમય બાદ વાગરા ખાતે બેન્ક પુનઃ કાર્યરત થશે :: મુકેશભાઈ (બેન્ક મેનેજર,વાગરા બ્રાન્ચ)

વાગરા ની બેન્ક ઓફ બરોડા ને વિલાયત ખસેડવા પાછળ જવાબદાર કારણ જાણવા માટે બેન્ક ઓફ બરોડા વાગરા ના બ્રાન્ચ મેનેજર મુકેશભાઈનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ જૂન મહિનાથી વાગરા બ્રાન્ચ બંધ હોવાનું જણાવ્યું હતું.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે પહેલા જે મકાનમાં બેન્ક કાર્યરત હતી તે હાલમાં જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયું છે,તેનો છતનો કેટલોક ભાગ તૂટીને નીચે પડ્યો હતો.સદર બેંકનું મકાન ૪૦ વર્ષથી વધારે સમય જૂનું હોવાથી અહીંયા કામગીરી કરવી ભયજનક હોવાનું કહ્યું હતું.તેમણે આશરે એક માસ જેટલા સમય બાદ વાગરા ખાતે બેન્ક પુનઃ કાર્યરત થઈ જશે તેમ જણાવ્યું હતું.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!