આણંદના મોગરી ગામની ખુશી નું “એક રાખી ફોજી કે નામ” અભિયાન, સૈનિકોને છેલ્લા ૪ વર્ષથી મોકલે છે હજારો રાખડીઓ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દેશની સરહદો નું રક્ષણ કરતા ભારતીય સેનાના જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા આણંદ તાલુકાના મોગરી ગામની ૧૮ વર્ષીય વિદ્યાર્થીની ખુશી વૈદ્ય દ્વારા છેલ્લા ચાર વર્ષથી અનોખું અને પ્રેરણાદાયી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ‘એક રાખી ફોજી કે નામ’ આ અભિયાન અંતર્ગત ખુશી વૈધ દ્વારા વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ પાસેથી રાખડીઓ, વ્યક્તિગત સંદેશાઓ તથા રાખડી કાર્ડ એકત્ર કરી ભારતીય સેનાના જવાનો સુધી પહોંચાડવામાં આવે છે.

ખુશી વૈદ્ય વલ્લભ વિદ્યાનગર ખાતે પ્રથમ વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરે છે. એક મુલાકાતમાં ખુશીએ જણાવ્યું હતું કે સિયાચીન ગ્લેશિયરની તેમની પ્રેરણાદાયી યાત્રા દરમિયાન ભારતીય સૈનિકોના સાહસ, શૌર્ય અને બલિદાનને નજીકથી સમજવાની તક મળી હતી. સિયાચીનમાં તૈનાત સૈનિકોના પડકારો અને જીવનને સમજાવતા પુસ્તક તથા સિયાચીન જાગૃતિ અભિયાનથી પ્રેરાઈને તેણે સૈનિકો માટે કંઈક કરવાની ભાવના સાથે ‘એક રાખી ફોજી કે નામ’ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્ય બાબતે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને ભારતીય સૈનિકો સાથે ભાવનાત્મક રીતે જોડવાનો તથા દેશની સરહદોની સુરક્ષા માટે સૈનિકો દ્વારા કરવામાં આવતા સમર્પણ અને બલિદાન પ્રત્યે આદર વ્યક્ત કરવાનો છે. આ અભિયાન હેઠળ ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને સૈનિકો માટે રાખડીઓ અને વ્યક્તિગત સંદેશાઓ તૈયાર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

છેલ્લા ચાર વર્ષ દરમિયાન ખુશી વૈદ્ય દ્વારા વિવિધ શાળા-કોલેજોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ પાસેથી રાખડીઓ, સંદેશાઓ અને રાખડી કાર્ડ એકત્ર કરવામાં આવ્યા છે. આ રીતે એકત્ર થયેલી રાખડીઓ અને સંદેશાઓ ભારતીય સેનાના જવાનો સુધી પહોંચાડવામાં આવે છે. દર વર્ષે અંદાજે ૬૦૦૦ જેટલી રાખડીઓ સૈનિકોને મોકલવામાં આવે છે,અને ચાલુ વર્ષે પણ રક્ષાબંધનનું પવિત્ર પર્વ આવતા જ ૬૦૦૦ જેટલી રાખડીઓ મોકલવામાં આવી છે, તેમ ખુશીએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિ માત્ર હસ્તકલા કે તહેવાર પૂરતી મર્યાદિત ન રહેતા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, જવાબદારી, સંવેદનશીલતા અને સૈનિકોના સમર્પણ પ્રત્યે આદરની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી દરેક રાખડી અને સંદેશામાં સૈનિકો પ્રત્યેનો પ્રેમ, સન્માન અને દેશભક્તિની લાગણી જોવા મળે છે.ખુશીના આ અભિયાનને સૈનિકો તરફથી પણ હૃદયસ્પર્શી પ્રતિસાદ મળે છે. રાખડીઓ અને સંદેશાઓ પ્રાપ્ત થયા બાદ સૈનિકો દ્વારા મોકલવામાં આવતા પ્રતિભાવથી વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ અને ગૌરવની લાગણી વધુ મજબૂત બને છે.‘એક રાખી ફોજી કે નામ’ અભિયાન એ સાબિત કરે છે કે દેશભક્તિ માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. એક નાનકડી રાખડી પણ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો સુધી પ્રેમ અને સન્માનનો સંદેશ પહોંચાડી શકે છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!