વાગરા :: ઓરા ચોકડી પાસે બંધ મકાનમાંથી તસ્કરો નો હાથફેરો, ૨.૫ લાખની રોકડ અને દાગીના સહિત લાખોની ચોરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા નગરના ઓરા ચોકડી પાસે આવેલ સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરો એ હાથફેરો કરી રૂ ૨.૫ લાખની રોકડ અને દાગીના સહિત લાખોની માલમતા ઉઠાવી ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે.વાગરા ના ઓરા ચોકડી નજીક  આવેલી સોસાયટીમાં મકાન માલિક શેખ અજરુદ્દીન નશરુદ્દીન અને તેમનો પરિવાર પોતાના કામ અર્થે ઘરને તાળું મારી બહારગામ ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી નિશાચરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો અને ત્યારબાદ મુખ્ય દરવાજાનું તાળું-નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ ચોરોએ આખા ઘરમાં સામાન ફેંદી નાખ્યો હતો અને તિજોરી તોડી તેમાં રાખેલી તમામ કિંમતી ચીજવસ્તુઓ ચોરી ગયા હતા.

મકાન માલિકના જણાવ્યા અનુસાર, તસ્કરો ઘરમાંથી ૨.૫૦ લાખની રોકડ રકમ, સાડા ત્રણ તોલાનો સોનાનો હાર તેમજ ચાર સોનાની વીંટીઓ સહિત લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા છે. સવારે ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તુરંત બહારગામથી ઘરે પાછા દોડી આવ્યા હતા. આ બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને ચોરીનો ગુનો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરો નું પગેરૂ મેળવવા કવાયત તેજ બનાવી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!