વાગરા તાલુકાના વિલાયત GIDC વિસ્તારમાં આવેલી કલર ટેક્સ કંપનીમાં છેલ્લા કેટલાક દિવસ થી અડીંગો જમાવનાર દીપડી પાંજરે પુરાઇ જવા પામી છે.જ્યારે તેના બે કે ત્રણ બચ્ચા વનવિભાગ ની પકડ થી હજી પણ કોષો દૂર હોવાનું કહેવાય છે.કંપની સંકુલમાં દીપડાની અવરજવર ને પગલે પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. કંપની પરિસરમાં દીપડાના પગના નિશાન અને મુવમેન્ટ નજરે પડતા કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. દીપડાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડવા માટે કંપની પરિસરમાં પાંજરું મુકવામાં આવ્યું હતું. સતત વોચ અને મહેનત બાદ આખરે દીપડી પાંજરામાં પુરાઈ જતાં કંપનીના સંચાલકો અને કર્મચારીઓએ રાહતનો દમ લીધો હતો.વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. હાલ તેની તબીબી તપાસ કર્યા બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે. જંગલ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં આવી ચડતા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વન વિભાગે તમામ કંપનીઓને રાત્રિના સમયે ખાસ સતર્ક રહેવા અને કોઈ અજાણી હલચલ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપી છે.
DIGITAL YUG NEWS ,VAGRA









