આણંદ :: સંરક્ષણ દળમાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારો માટે ૩૦ દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમ યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ ખાતે સંરક્ષણ દળમાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારો માટે ૩૦ દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમ યોજાનાર છે.નિવાસી તાલીમ વર્ગ માટે ઇચ્છુક ઉમેદવારો તા.૩૧/૦૭/૨૦૨૬ સુધી જિલ્લા રોજગાર કચેરી ખાતે અરજી કરી શકશે.ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક રોજગાર અને તાલીમની કચેરી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આણંદ દ્વારા સંરક્ષણ દળ, પોલીસ ફોર્સ તેમજ સિક્યુરીટી ગાર્ડમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે આગામી સમયમાં ૩૦ દિવસીય ભરતી પૂર્વેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

નિવાસી તાલીમ વર્ગમાં પસંદગી પામેલા ફક્ત પુરુષ ઉમેદવારોએ ૩૦ દિવસ સુધી હાજર રહીને તાલીમ મેળવવાની રહેશે. આ તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા તેમજ જમવાની નિ:શુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે, સાથે જ શારીરિક અને બૌદ્ધિક કસોટી માટેની સંપૂર્ણ તૈયારીઓ પણ નિ:શુલ્ક કરાવવામાં આવશે. આ ઉપરાંત, તાલીમમાં ઉમેદવારોની હાજરીના આધારે પ્રતિ દિવસ લેખે રૂ.૧૦૦/- નું સ્ટાઇપેન્ડ પણ મળવાપાત્ર રહેશે.તાલીમ વર્ગ માટે નિયત કરવામાં આવેલા માપદંડો મુજબ, ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨૧ વર્ષની વચ્ચે, શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ કે તેથી વધુ અને વજન ઓછામાં ઓછું ૫૦ કિલો હોવું અનિવાર્ય છે.

શારીરિક માપદંડમાં ઉમેદવારની ઊંચાઈ ૧૬૮ સેન્ટીમીટર કે તેથી વધુ અને છાતી ૭૭ થી ૮૨ સેન્ટીમીટર હોવી જરૂરી છે. આણંદ જિલ્લાના એવા ઉમેદવારો કે જેમણે અગાઉ રોજગાર કચેરી દ્વારા આ પ્રકારની તાલીમ મેળવેલ ન હોય, તેવા જ લાયકાત ધરાવતા ઉમેદવારો આ તાલીમ માટે પાત્ર ઠરશે.લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ રૂબરૂ ફોર્મ મેળવીને આગામી તા.૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, આણંદ ખાતે જમા કરાવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે ઉમેદવારોએ આણંદની બોરસદ ચોકડી પાસે આવેલ જૂના જિલ્લા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોરના રૂમ નંબર ૨૫/૨૬ માં આવેલ જિલ્લા રોજગાર કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. આ ભરતી પૂર્વેના તાલીમ વર્ગ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધિકારી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!