ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત વાગરા પોલીસે નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ,મારામારી અને દુષ્કર્મ કેસમા છ મહિનાથી ફરાર આરોપીને મધ્યપ્રદેશ થી ઝડપી પાડયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જે અનુસંધાને દહેજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો.અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.ગોહિલના નેતૃત્વમાં વિશેષ ટીમ કાર્યરત હતી.

તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નબીપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો આરોપી જીવણભાઈ રાદુભાઈ ભુરીયા (ઉંમર ૪૨ વર્ષ) પોતાના વતન ઝરીયાપાડા,તા. થાંદલા, જી. ઝાબુઆ (મધ્યપ્રદેશ) ખાતે હાજર છે. સદર બાતમીને આધારે વાગરા પોલીસની ટીમે મધ્યપ્રદેશ પહોંચી આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી સામે નબીપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ, મારામારી તથા દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયેલ છે. ધરપકડ બાદ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નબીપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. પોલીસની આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ અને સુરેશજી હેમરાજી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલા આરોપીની ધરપકડ થતાં કેસની આગળની તપાસને વધુ વેગ મળશે તેમજ પીડિતાને ન્યાય અપાવવામાં મદદરૂપ બનશે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









