વાગરાના ઝમઝમ કોમ્પ્લેક્ષ સ્થિત આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં બપોરના સમયે અચાનક બનેલી ઘટનાએ બેંક સ્ટાફ અને ગ્રાહકોમાં દોડધામ મચાવી દીધી હતી. બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ બેંક મેનેજરની કેબિનમાં સ્લેબનો મોટો ભાગ અચાનક તૂટી પડી જતા એક ક્ષણ માટે સમગ્ર પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સદનસીબે તે સમયે મેનેજર કેબિનમાં હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ બેંકના મેનેજરની કેબિનમાં છતમાંથી સિમેન્ટ અને સ્લેબનો મોટો હિસ્સો અચાનક ધરાશાયી થયો હતો. ભારે અવાજ સાથે સ્લેબ નીચે પડતાં બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકો ગભરાઈ ગયા હતા. એક સમયે બેંક પરિસરમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો સુરક્ષિત જગ્યાએ દોડી ગયા હતા. ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા નોંધાઈ નથી, પરંતુ બનાવે બેંકની બિલ્ડિંગની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો ઘટના સમયે મેનેજર કેબિનમાં હાજર હોત તો સ્થિતિ ગંભીર બની શકી હોત તેવી ચર્ચાઓ પણ ઉઠી રહી છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બનાવ બાદ તાત્કાલિક સલામતીના ભાગરૂપે બેંકનું કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી. સ્ટાફ અને ગ્રાહકોને બહાર કાઢી પરિસર સુરક્ષિત કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ બાદ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે બેંકની ઇમારત પહેલાથી જ જર્જરિત હાલતમાં હોવાનું દેખાઈ રહ્યું છે. શાખાના અનેક વિસ્તારોમાં મુખ્ય પિલરો તથા અન્ય ભાગોમાં પણ નુકસાનના નિશાન જોવા મળતા હોવાના અહેવાલ છે. આ બનાવ પછી ઇમારતની મજબૂતી અને સલામતીને લઈને ફરી સવાલો ઊભા થયા છે. હાલ આ ઘટનામાં મોટી હોનારત ટળી જતા બેંક સત્તાધીશો અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે આવી ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને હવે બેંક બિલ્ડિંગની તાત્કાલિક તપાસ અને જરૂરી મરામત થાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









