વાગરા તાલુકા પંચાયતમાં ભાજપની આંતરિક રાજનીતિ હવે ખુલ્લેઆમ રસ્તા પર આવી ગઈ હોય તેવી ચર્ચાઓ તેજ બની છે. માત્ર બે દિવસ પહેલા જ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયશ્રીબા પુષ્કરસિંહ રણાની વરણી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમને રાજીનામું અપાવી નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે તેવી ચર્ચાઓએ રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. સ્થાનિક સ્તરે વહેતી ચર્ચાઓ મુજબ પક્ષના જ કેટલાક આગેવાનો મેન્ડેટ અને સંગઠનના નિર્ણયને અવગણી સત્તાના સમીકરણો બદલવાની તૈયારીમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જો ખરેખર બે દિવસમાં જ પ્રમુખ બદલવાની નોબત આવી હોય, તો તે ભાજપના આંતરિક ગોટાળાનો જીવંત પુરાવો માનવામાં આવી રહ્યો છે. પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું મેન્ડેટ માત્ર દેખાવ માટે આપવામાં આવ્યું હતું? અને જો શરૂઆતથી જ ફેરફાર નક્કી હતો તો પછી આ નિયુક્તિ પાછળનો હેતુ શું હતો?

આ સમગ્ર મામલે સત્ય જાણવા વાગરા તાલુકા BJP પ્રમુખ સતીષભાઈનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજીનામા અંગે સંગઠન પાસે કોઈ સત્તાવાર માહિતી કે પત્ર નથી, જોકે આવી ચર્ચાઓ ચાલી રહી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. બીજી તરફ તાલુકા પંચાયતના નવા ઉપપ્રમુખ અશોકભાઈ ગોરધનભાઈ ઠાકોરે પણ આ મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે રાજકીય ગલિયારાઓમાં હવે ચર્ચાઓ વધુ તેજ બની રહી છે કે ટૂંક સમયમાં તાલુકા પંચાયતના સત્તાના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો આવું થાય તો તે માત્ર વ્યક્તિગત બદલાવ નહીં, પરંતુ સંગઠનની વિશ્વસનીયતા અને આંતરિક શિસ્ત સામે પણ ગંભીર સવાલો ઊભા કરશે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









