વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં હિન્ડાલ્કોના દહેજ અને પખાજણ યુનિટ દ્વારા ટ્રક ડ્રાઇવરોને સન્માનિત કરવા માટે એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી હતી. કંપનીના મહત્વાકાંક્ષી CSR પ્રોજેક્ટ લાઇફ ઓન વ્હીલ્સ અંતર્ગત સારથી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પરિવહન ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવતા ટ્રક ડ્રાઇવરોના યોગદાનની કદર કરવાનો, તેમનામાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને તેમના સ્વાસ્થ્યની સુખાકારી વધારવાનો હતો. આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. અધિકારી તેજસ પ્રજાપતિ, સહાયક આર.ટી.ઓ. એન.પી. દયમા, તાલુકા આરોગ્ય અધિકારી તેમજ અખોડ અને દહેજ ગામના સરપંચઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્ડાલ્કો કોપરના ઉચ્ચ અધિકારીઓ બિષ્ણુ અગ્રવાલ, સુકાંત દાસ અને યુનિટ હેડ કે. કુમારવેલે આદિત્ય બિરલા ગ્રુપની સામાજિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને ડ્રાઇવરોને જવાબદારીપૂર્વક તેમજ સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સારથી ઉત્સવ દરમિયાન ડ્રાઇવરો માટે નેત્ર નિદાન અને સ્વાસ્થ્ય તપાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શેરી નાટકોના માધ્યમથી વ્યસન મુક્તિ અને ટ્રાફિક નિયમો અંગે સમજ આપવામાં આવી હતી,

તથા સૌએ માર્ગ સુરક્ષાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે ડ્રાઇવરોને આદર્શ ડ્રાઇવર, પર્યાવરણ મિત્ર, કોપર સુરક્ષા સારથી અને શ્રેષ્ઠ ડિલિવરી ચેમ્પિયન જેવા વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 192થી વધુ ટ્રક ડ્રાઇવરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમને ભેટ, શાલ તથા ટી-શર્ટ અર્પણ કરવામાં આવ્યા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









