ભરૂચ જિલ્લા પંચાયત કેમ્પમાં વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે ધાર્મિક સ્થળો તોડી પડાયા હતા.ભરૂચમાં જિલ્લા પંચાયત દ્વારા વહેલી સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પંચાયતની હદમાં આવેલી બાલાપીર-માસુમપીર નામની બે દરગાહોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી હતી.ઉક્ત કાર્યવાહી સવારના આશરે ૪ વાગ્યાના અરસામાં શરૂ કરવામાં આવી હતી.સદર બંને દરગાહો ભરૂચ શહેરના સીટી સેન્ટર સામે આવેલા જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં આવેલી હતી.જિલ્લા પંચાયત દ્વારા આ દરગાહોને હટાવવા માટે અગાઉ તેના ટ્રસ્ટીઓને નોટિસ પાઠવવામાં આવી હતી.

નોટિસ બાદ વહેલી સવારે એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, શહેર એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવા, બે પીએસઆઈ સહિત ૪૦ પોલીસ કર્મચારીઓ અને ૩૦ જેટલા હોમગાર્ડના જવાનોની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરોની મદદથી દરગાહો તોડી પાડવામાં આવી હતી. દરગાહો તોડી પાડ્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલા અને હાલ બંધ હાલતમાં રહેલા ૩૬ દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ તોડી પાડવામા આવ્યું હતું.

મળસ્કે ડિમોલેશન શરૂ થતા જ દરગાહના ટ્રસ્ટીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો. જોકે, સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો, જે અંગેની કાનૂની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવતા ટ્રસ્ટીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને આત્મનિર્ભર બનાવવા તેમજ જનવિકાસના કામોને વધુ વેગ આપવા માટે પંચાયતની માલિકીની જગ્યામાં આવેલી જમીનો પર કોમર્શિયલ બિલ્ડિંગ અને રેસ્ટ હાઉસ નિર્માણ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે.આ પ્રોજેક્ટથી જિલ્લા પંચાયતને નિયમિત આવક ઊભી થશે,જેનો ઉપયોગ જનહિતના વિકાસ કાર્યોમાં કરવામાં આવશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે સ્થળે દરગાહ આવેલી હતી તે જગ્યા જિલ્લા પંચાયતની માલિકીની શોપિંગ ઝોનમાં આવતી હતી.આ બાબતે સંબંધિત પક્ષને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમજ નિયમસર સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં, લાંબી રાહ જોયા બાદ પણ તેઓ આ જગ્યા પોતાની માલિકીની હોવાનું કોઈ કાયદેસર પુરાવો રજૂ ન કરી શકતાં, કાયદાની પ્રક્રિયા અનુસાર દરગાહને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









