પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જાગૃતિ વર્કશોપ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લા વહીવટી તંત્ર, અને આબોહવા પરિવર્તન વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે જિલ્લા સ્તરનો ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જાગૃતિ સેમિનાર યોજાયો હતો.જેનો પ્રારંભ રાજ્યકક્ષાના નાણાં મંત્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મંત્રી પટેલે મિલેટ્સના મહત્વ અને નારી શક્તિના યોગદાન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આધુનિક જીવનશૈલી અને જંક ફૂડના કારણે નવી પેઢી અનેક રોગોનો ભોગ બની રહી છે, ત્યારે ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) નો મંત્ર આપીને પરંપરાગત આહાર તરફ પાછા વળવા આહવાન કર્યું હતું.મંત્રીએ જણાવ્યું હતું કે, બાજરી, જુવાર, રાગી અને કોદરી જેવા પરંપરાગત ધાન્યો આપણી સંસ્કૃતિનો હિસ્સો રહ્યા છે. મેંદા અને પેકેટ ફૂડના વધતા ચલણ સામે મિલેટ્સ એ કુદરતી ઉપચાર છે, જે ડાયાબિટીસ અને બીપી જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે.

તેમણે ગર્ભવતી મહિલાઓના ઉચિત આહાર અને યોગ્ય વાંચન પર ભાર મૂકતા અભિમન્યુ અને શિવાજી મહારાજના ઉદાહરણો ટાંકીને કહ્યું હતું કે, સંસ્કારી અને મજબૂત પેઢીના ઘડતરનો પાયો માતાના ખોરાક અને વિચારોમાં રહેલો છે. નારી શક્તિના સામર્થ્યને બિરદાવતા કહ્યું હતું કે વડાપ્રધાને મહિલાઓને ૩૩ ટકા અનામત અને ‘લખપતિ દીદી’ જેવી યોજનાઓ દ્વારા આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે. ‘સશક્ત નારી, સશક્ત પરિવાર અને સશક્ત ભારત’ના સૂત્રને સાર્થક કરવા માટે નારી શક્તિનું યોગદાન અનિવાર્ય છે. તેમણે ‘ઓપરેશન સિંદુર’માં દીકરીઓના નેતૃત્વનો ઉલ્લેખ કરી ભારતીય નારીની વિરતાને બિરદાવી હતી.આ તબકકે સેમિનારના મુખ્ય વક્તા ધૈવતભાઈ હાથીએ જણાવ્યું હતું કે, જીવન જીવવાનો મુખ્ય ધ્યેય સુખાકારી છે, જેના માટે સારો ખોરાક અને સ્વસ્થ પર્યાવરણ અનિવાર્ય છે.

માનવીય પ્રવૃત્તિઓ વચ્ચે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન જ પર્યાવરણને બચાવી શકે છે. તેમણે કચરાના વિવિધ પ્રકારો જેવા કે ઘરગથ્થુ, ઔદ્યોગિક, જોખમી (મેડિકલ અને કેમિકલ) અને જૈવિક કચરા વચ્ચેનો તફાવત સમજાવતા ખાસ કરીને ‘ઇ-વેસ્ટ’ (ઇલેક્ટ્રોનિક કચરો) પર ભાર મૂક્યો હતો.તેમણે મોબાઇલ, લેપટોપ, ચાર્જર અને ઘરવપરાશના ઇલેક્ટ્રિક સાધનો જ્યારે બિનઉપયોગી બને છે, ત્યારે તે પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે તેમ કહી ઇ-વેસ્ટમાં પ્લાસ્ટિક ઉપરાંત રહેલી મર્ક્યુરી જેવી ઝેરી ધાતુઓ રૂપી કચરાને વૈજ્ઞાનિક રીતે અલગ કર્યા વગર બાળવામાં આવે, પાણીમાં ફેંકવામાં આવે કે જમીનમાં દાટવામાં આવે, તો તે હવા,પાણી અને જમીન ત્રણેયને પ્રદૂષિત કરી માનવ સ્વાસ્થ્ય તેમજ પશુ-પંખીઓ માટે જીવલેણ સાબિત થાય છે તેમ જણાવ્યું હતું.

(ડીઝીટલ યુગ ન્યૂઝ,પેટલાદ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!