કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનો માટે સુવિધા રૂપ પહેલ ની શરૂઆત કરવામાં આવી છે.જે અંતર્ગ નગરજનોને સિંગલ વિન્ડો મકાન બાંધકામ માટે તાત્કાલિક પરમિશન આપવામાં આવશે.કરમસદ આણંદ મહાનગર પાલિકા વિસ્તારમાં નગરજનો દ્વારા સ્વતંત્ર મકાન બનાવવા, સુધારા વધારા કરવા માટે માટે જરૂરી પરવાનગી મહાનગરપાલિકા પાસેથી મેળવવામાં આવે છે, જેમાં પૂરતા દસ્તાવેજો ના અભાવે ક્યારેક વિલંબ પણ થતો હોય છે.આ બાબતે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાને રજૂઆત કરી હતી કે કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો દ્વારા સ્વતંત્ર મકાન બનાવવા અને મકાનમાં જરૂરી સુધારા વધારા માટે મહાનગરપાલિકા પાસે બાંધકામ પરમિશન માંગવામાં આવે છે અને આ માટે જે લોકો બેંક પાસેથી લોન મેળવે છે તેમને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી બાંધકામ પરમિશનનો પત્ર બેંકને રજૂ કરવાનો હોય છે, જે પરમિશન થોડી ઘણી મોડી મળવાને કારણે લોન મેળવવામાં કે મકાન બાંધકામ કરવામાં કે મકાનમાં જરૂરી સુધારા વધારા કરવામાં વિલંબ થતો હતો.

જો કે હવે મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ મનપા વિસ્તારમાં રહેતા નગરજનો ૧૨૫ ચોરસ મીટર થી ઓછા બિલ્ટ અપ એરિયાના સિંગલ વ્યક્તિગત રહેણાંક મકાન બનાવવા માટે અથવા મકાનમાં જરૂરી સુધારા વધારા કરવા માટે મહાનગરપાલિકા પાસેથી બાંધકામ પરમિશન માંગશે તો તેને આ પરમિશન માત્ર ૪૮ કલાકમાં જ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે નગરજનો ને બેંકમાંથી લોન લેવાની હોય ત્યારે કોઈ અગવડ પડે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નગરજનોને બાંધકામ પરમિશન મળવાથી ખૂબ જ અનુકૂળ રહેશે અને કોઈપણ જાતના વિના વિલંબે પરમિશન મળવાથી નગરજનોને કચેરી ખાતે અવરજવર કરવા એટલે કે નાણાં અને સમયની પણ બચત થશે. મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લેવામાં આવેલ ત્વરિત નિર્ણયને વધાવી લઇ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે ખુશી વ્યક્ત કરી હતી.તેઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ નિર્ણય થી રાજ્યની મહાનગરપાલિકાઓમાં ઝડપી નિર્ણય લેવામાં પણ કરમસદ આણંદ મહાનગરપાલિકા ના કમિશનર અને તેમની ટીમ નગરજનોની સુખાકારી માટે શ્રેષ્ઠ કામ કરી રહી છે તેવું મારું માનવું છે તેમ ધારાસભ્યએ ઉમેર્યું હતું.
ડિજિટલ યુગ ન્યૂઝ, આણંદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









