ભરૂચ જિલ્લામાં રવિવારે ૩૭ કેન્દ્રો પર થી ૧૦૮૪૨ ઉમેદવારો તલાટી ભરતીની પરીક્ષા આપશે.જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લાના નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત મહેસૂલી તલાટી વર્ગ-૩ની સીધી ભરતીની પ્રાથમિક પરીક્ષા તા.૧૪ સપ્ટેમ્બર ને રવિવારના રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત કુલ ૩૭ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. જેમાં કુલ ૧૦૮૪૨ ઉમેદવારો આ પરીક્ષા આપશે. જે અંગે જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં પરીક્ષાની તૈયારી અંગે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓને તટસ્થતા સાથે પરીક્ષાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.પરીક્ષા કેન્દ્રોમાં જરૂરી તમામ ભૌતિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફરજિયાત CCTV કેમેરા, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ વોલ, લાઇટ, પંખા તથા પીવાના પાણીની સુવિધા અને બસ સેવા, આરોગ્ય સેવા તેમજ બાયોમેટ્રિક વેરીફિકેશનની કામગીરી બાબતે નિવાસી અધિક કલેકટર દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી. પરીક્ષાનો સમયગાળો બપોરે બે થી પાંચ કલાક સુધી રહેશે. તમામ ઉમેદવારોએ પરીક્ષા શરૂ થાય તે પહેલાં બે કલાક અગાઉ કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

સુચારૂ આયોજન માટે કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પરીક્ષા સ્થળ સંચાલકો, નાયબ કો- ઓર્ડીનેટરો, ૩૭ મંડળના પ્રતિનિધિઓ તથા ૩૭ તકેદારી સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્યનું પરિવહન અને સુરક્ષા વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જે અંગે પણ નિવાસી અધિક કલેકટરે સમીક્ષા કરી હતી.આ બેઠકમાં વિવિધ વિભાગોના લાઈઝનીંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









