વાગરા-દહેજ માર્ગ પર પીસાદ ગામ નજીક એક વિશાળ ખાડો પડતા સ્થાનિક તંત્રની બેદરકારી અને રોડ નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. કરોડો રૂપિયાના ખર્ચે માત્ર બે વર્ષ પહેલાં જ બનેલો આ માર્ગ અત્યંત ખખડધજ બની ગયો હતો, જેના પરના મસમોટા ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા હતા. અનેક ટુ-વ્હીલર ચાલકો આ ખાડામાં પટકાઈને ઇજાગ્રસ્ત પણ થયા હતા. મીડિયામાં આ અંગેના સચોટ અહેવાલો અને લોકરોષ બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું અને ભયજનક ખાડાનું સમારકામ હાથ ધર્યું.

જોકે, આ સમારકામ ફક્ત “દેખાડા” પૂરતું જ હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે રોડની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર અંગેના ગંભીર સવાલો યથાવત્ છે. આ માર્ગના નિર્માણ કાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સ્પષ્ટ દેખાઈ રહી છે. પ્રજાના કરોડો રૂપિયા આવા હલકી ગુણવત્તાના કામો પાછળ વેડફાઈ રહ્યા છે, પરંતુ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે મોટો પ્રશ્ન એ છે કે શું તંત્ર માત્ર મીડિયાના દબાણ હેઠળ આંખમાં ધૂળ નાખવા પૂરતું જ કામ કરશે કે પછી સમગ્ર રોડનું ગુણવત્તાયુક્ત સમારકામ કરીને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે નક્કર નીતિ બનાવશે? આ સમગ્ર મામલે ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

સદ્દામ બી ભટ્ટી વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









