આમોદની ઢાઢર નદી પરનો બ્રિજ ખખડધજ હોવાથી વર્ષોથી સેંકડો વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા.

તાજેતરમાંજ આ બ્રિજ પર રસ્તાનું રીપેરિંગ કરાવી વાહન ચાલકોને થોડા અંશે રાહત કરી આપવામાં આવી છે. જે કામગીરીનો જસ લેવા માટે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયાં છે.

પરંતુ આમોદ મેઈન ચોકડીથી લઈને શમાં હોટલ સુધીનો કમરતોડ રસ્તો આ નેતાઓને નજરે નથી પડી રહ્યો.! ઢાઢર બ્રિજના રીપેરીંગની સાથે સાથે આ માર્ગને પણ રીપેર કરવાની પ્રજા માંગ કરી રહી છે. જો આ માર્ગને ચોમાસા પૂર્વે રીપેર કરવામાં નહિ આવે તો ચોમાસામાં અહીંયા દર વર્ષની જેમ અકસ્માતોની વણજાર જોવા મળે તો નવાઈ નહીં!

ભરૂચ જિલ્લા કલેક્ટરની સૂચનાથી ઢાઢર નદીના બ્રિજનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવ્યું હતું:- આમોદ અને જંબુસર તાલુકાને જોડતા મહત્વના માર્ગ પર આવેલા ઢાઢર નદીના બ્રિજ પર મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજની સપાટી પર લાંબા સમયથી મોટા ખાડાઓ પડ્યા હતા. આ કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

તાજેતરમાં 16 મેના રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જંબુસરના પ્રવાસ દરમિયાન બ્રિજની મુલાકાત લીધી હતી. બ્રિજની ખરાબ સ્થિતિ જોઈને તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને તાત્કાલિક મરામતનું કામ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. કલેક્ટરની સૂચના બાદ તંત્ર દ્વારા બ્રિજ પર ડામરકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીથી માર્ગ પર વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત બનશે. મરામતનું કામ શરૂ થતાં સ્થાનિક અને આજુબાજુના ગામોના વાહનચાલકોએ રાહતની લાગણી વ્યક્ત કરી છે. લોકોએ કલેક્ટરના ઝડપી પ્રતિસાદ અને અસરકારક કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો છે.

ધારાસભ્યની વાત સરકારમાં જ કોઇ સાંભળતું નહિ હોવાના યુથ કોંગ્રેસનાં આરોપ :- ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય ડી.કે.સ્વામીના પ્રયાસોથી રોડનું રીપેરિંગ કરાયું હોવાનો દાવો કરતાં સામે યુથ કોંગ્રેસે પણ તેમના આંદોલનના લીધે રસ્તો બન્યો હોવાનો દાવો કર્યો છે. યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું કે, ધારાસભ્યએ 12 ફેબ્રુઆરી અને 7મી એપ્રિલના રોજ રજૂઆત કરી હતી. પણ ડબલ એન્જિનની ગુલબાંગો પોકારતી સરકાર આમોદના પોતાના જ ધારાસભ્યની વાતને જાણે ટલ્લે ચડાવી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળ્યું હતું. જેની સામે યુવક કોંગ્રેસ તરફથી 13મી મેના રોજ રજૂઆત કરી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ધારાસભ્યની રજૂઆતના 56 દિવસ બાદ પણ કોઇ કાર્યવાહી થઈ ન હતી. જેની સામે કોંગ્રેસની રજૂઆતના માત્ર 9 જ દિવસમાં ઢાઢર નદીનો બ્રિજ પરનો રોડ રીપેર કરાયો છે. તેમ પ્રમુખે જણાવ્યું હતું.

જંબુસર-આમોદના ધારાસભ્યની 25 વર્ષની ગેરંટી વાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો!! :- આમોદ પાસે બનેલ ધારાસભ્ય દ્વારા અપાયેલ 25 વર્ષની ગેરંટી વાળો નેશનલ હાઇવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડધજ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા. જેતે સમયે મીડિયા કર્મીઓ દ્વારા સારી કામગીરી ચાલતી ન હોવાની જાણ આર. એમ. બી. ના ઉપસ્થિત અધિકારીને કરી હતી. છતાંય કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જેના પરિણામેં શરૂઆતથી જ આ માર્ગ વિવાદમાં રહ્યો છે. નવીનીકરણ બાદ અનેક વાર ઠીંગણા મારવા છતાંય આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ધારાસભ્યની ૨૫ વર્ષની ગેરંટી વાળો રોડ ટૂંક સમયમાંજ ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર સહિત અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આમોદ ચોકડીથી સમાં હોટલ સુધીનો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે. ત્યારે ચોમાસા પૂર્વે આ માર્ગને પણ તાકીદે રીપેર કરવામાં આવે તેવી સમયની માંગ છે.
ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ,









