ભરૂચના પ્રવાસન સ્થળ કબિરવડ ની લાખોની આવક છતાં વિકાસના નામે મીંડું…..????

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચની ઓળખ અને ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક પ્રવાસન સ્થળ કબીરવડમાં વિકાસના દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કબીરવડ ની મુલાકાતે પધારતાં હોય છે. તેમ છતાં સાફ-સફાઈ, જાહેર શૌચાલય અને પાયાની સુવિધાઓના અભાવે કબીરવડની હાલત દયનીય બની છે. લાખોની આવક થતી હોવાના દાવા વચ્ચે પ્રવાસીઓને પ્રાથમિક સુવિધા ન મળે તો આ આવક ક્યાં વપરાય છે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

હાલ દિવાળી વેકેશન દરમિયાન કબીરવડ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ અહીં જાહેર શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જાહેર શૌચાલયની હાલત પણ ખંડેર જેવી બની ગઈ છે. સફાઈના અભાવે સ્થળ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ સમક્ષ ભરૂચની આ ઐતિહાસિક ઓળખની કેવી છબી ઊભી થતી હશે તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે.

ઉલ્લેખનીય છે કે આગામી તા.૨૨,૨૩ અને ૨૪ નવેમ્બર દરમિયાન કબીરવડ ખાતે ૧૦૪મા ભવ્ય સંત સમાગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી કબીર સંપ્રદાયના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કબીરવડ ખાતે ઉમટી પડશે. તા.૨૪ નવેમ્બરના રોજ સવારે ૭ વાગ્યે કબીરવડની પ્રદક્ષિણા-પરિક્રમા તથા આનંદ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.આવા મોટા ધાર્મિક આયોજન પહેલાં પણ જો સ્થળ પર સફાઈ અને જાહેર શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો જવાબદાર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે.આ તબકકે ગુરુચરણ દાસ સાહેબ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે સંત સમાગમ મેળા પહેલાં કબીરવડ ખાતે યુદ્ધના ધોરણે સફાઈ કરાવવામાં આવે, જાહેર શૌચાલયની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી બહારગામથી આવતા સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે.

સંત સમાજની માંગ સ્પષ્ટ છે કે કબીરવડ માત્ર આવક મેળવવાનું સ્થળ બનીને ન રહે, પરંતુ તેની આવકનો ઉપયોગ તેના વિકાસ અને પ્રવાસીઓની સુવિધા માટે પણ થવો જોઈએ.ત્યારે હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે કબીરવડમાંથી આવક મેળવવામાં રસ ધરાવતું તંત્ર અહીં વિકાસ અને સફાઈની જવાબદારી ક્યારે નિભાવશે? દર વર્ષે મેળા અને પ્રવાસીઓની ભીડ વધે છે, પરંતુ સુવિધાઓ કેમ વધતી નથી? શું જવાબદાર અધિકારીઓ માત્ર મેળાના આયોજન પૂરતી જ કામગીરી કરશે કે કબીરવડની કાયમી સમસ્યાઓના ઉકેલ માટે પણ આગળ આવશે?

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!