કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય સામગ્રીના વેપારીઓ સામે તપાસ કાર્યવાહી અંતર્ગત ગણેશ ચોકડી પાસે આવેલા શિવ દુગ્ધાલયમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.જેમાં એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ મળી આવતા નિયમોના ભંગ બદલ મહાનગરપાલિકાએ દુકાન સંચાલક પાસેથી રૂ.૨૫,૦૦૦ નો વહીવટી દંડ વસૂલ કર્યો હતો.

તપાસ દરમિયાન સ્ટોરમાં વપરાશની અવધિ પૂર્ણ થઈ ગઈ હોય તેવી વસ્તુઓ મળી આવતાં ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને વેચાણ અંગે ગંભીર બેદરકારી સામે આવી હતી. એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની શકે છે, ત્યારે આવી વસ્તુઓ દુકાનમાં રાખવામાં આવતી હોવાની બાબતને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધી હતી.

નિયમોના ભંગ બદલ અધિકારીઓએ સ્થળ પર જ કાર્યવાહી કરી દુકાન સંચાલક પાસેથી રૂપિયા પચીસ હજારનો દંડ વસૂલ કર્યો હતો.મનપાની કાર્યવાહીથી ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ ,આણંદ









