આમોદમાં વિકાસની નવી રાહ :: અઢી કરોડના ખર્ચે નવનિર્મિત RCC રોડ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના આમોદ શહેરથી પસાર થતા નેશનલ હાઈવે-૬૪ પર લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા માર્ગનું નવીનીકરણ પૂર્ણ થતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળી છે. આશરે અઢી કરોડ રૂપિયાના ખર્ચે ૫૦૦ મીટર લાંબા RCC રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આમોદ-જંબુસર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે રિબન કાપીને અને શ્રીફળ વધેરી માર્ગનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ નવો માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આમોદ શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે-૬૪ વાહનવ્યવહારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવાથી માર્ગની બિસ્માર હાલતને કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક નાગરિકોને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. લાંબા સમયથી માર્ગના નવીનીકરણની તાતી જરૂરિયાત અનુભવાઈ રહી હતી.

હવે RCC રોડનું કામ પૂર્ણ થતાં આ સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે.આશરે અઢી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ માર્ગ થી વાહનચાલકોને સુવિધાજનક અવરજવરનો લાભ મળશે. ખાસ કરીને રોજિંદા કામકાજ માટે આ માર્ગનો ઉપયોગ કરતા સ્થાનિક રહીશો, વેપારીઓ અને અન્ય વાહનચાલકો માટે આ સુવિધા ઉપયોગી સાબિત થવાની આશા સેવાઈ રહી છે.

નવા માર્ગના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે માર્ગને વિધિવત્ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. માર્ગનું નવીનીકરણ પૂર્ણ થતાં સ્થાનિક સ્તરે સંતોષ અને રાહતની લાગણી જોવા મળી રહી છે.

 

Digital yug news Amod 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!