જામિયા ફૈઝાને અહેમદી ના પઠાણ મોહંમદખાન પ્રથમ ક્રમે વિજેતા

આણંદ જિલ્લામાં યોજાયેલા ‘વિકસિત ભારત ૨૦૪૭ : સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં નાપાડવાંટા ગામની એફ.એ. પ્રાઇમરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ-૧૧ સાયન્સના તેજસ્વી વિદ્યાર્થી પઠાણ મોહંમદ અહેમદખાન નૂરઅહમદખાને સમગ્ર આણંદ જિલ્લામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું છે.‘૨૫ કરોડ બાળકોનું સ્વપ્નનું ભારત’ વિષય પર યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પઠાણ મોહંમદ અહેમદખાને પોતાની પ્રભાવશાળી વક્તૃત્વ કળા, સર્જનાત્મક વિચારો અને આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆત દ્વારા નિર્ણાયકોને પ્રભાવિત કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.વિદ્યાર્થીની આ ગૌરવપૂર્ણ સિદ્ધિને બિરદાવવા માટે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલા ‘સેવા જ્યોતિ યાત્રા’ અને સંકલ્પ સભાના કાર્યક્રમમાં મંત્રી સંજયસિંહ મહિડા તથા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી સંજયભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પણ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.પઠાણ મોહંમદ અહેમદખાનની આ સિદ્ધિથી શાળા પરિવાર, શિક્ષકો, વાલીઓ તથા નાપાડવાંટા ગામમાં ગૌરવની લાગણી છવાઈ જવા પામી છે.

શાળા પરિવાર અને ગ્રામજનોએ વિદ્યાર્થીની પ્રતિભાને બિરદાવતાં તેના ઉજ્જવળ શૈક્ષણિક અને ભવિષ્યના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે પઠાણ મોહમ્મદ અહેમદે “વસુધૈવ કુટુંબકમ” વિષય પસંદ કરી સૌપ્રથમ શાળા કક્ષાની સ્પર્ધામાં વિજેતા બની, QDC કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો,ત્યાં પ્રથમ આવી SVS કક્ષાએ ભાગ લીધો,તેમાં પ્રથમ આવી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર બાદ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજેતા બન્યા હતા.વિદ્યાર્થીને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં શાળાના આચાર્ય ડૉ. સબ્બીરહુસેન સૈયદનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું.
અમજદ સૈયદ









