ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.ઝઘડિયા તાલુકાની નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળાના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાનો પરચો આપી સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.શાળાના વિદ્યાર્થી માછી ભાવિક રમેશભાઈ અને પટેલ જેનિલ અશોકભાઈએ ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની વૈજ્ઞાનિક પ્રતિભા અને સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો હતો.બંને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનની નોંધ લેવાતા તેમને ૨ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં યોજાયેલી મહાત્મા ગાંધી જન્મજયંતીની ઉજવણીમાં વિશેષ આમંત્રણ મળ્યું હતું.

રાષ્ટ્રીય સ્તરના મંચ પર સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળેલું આ સન્માન શાળા,ઝઘડિયા તાલુકા તેમજ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની બાબત બની છે.આ સિદ્ધિ પાછળ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડનાર શિક્ષક પટેલ ઉર્વેશકુમાર દિનેશભાઈનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. શિક્ષકના યોગ્ય માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાને રાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડી છે.સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોની પ્રતિભા જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળે છે ત્યારે તે સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બની રહે છે. બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી શાળા પરિવાર, વાલીઓ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી છે.










