અંકલેશ્વર ખાતે વિકસિત ભારત-૨૦૪૭ અંતર્ગત “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિકસિત ભારત-૨૦૪૭ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” વિષયને કેન્દ્રમાં રાખીને ભરૂચ જિલ્લાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કોલાજ વર્ક સ્પર્ધાનું આયોજન રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓની શાળાઓમાંથી ૨૭૫ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.મુખ્ય મહેમાન તરીકે જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રીટાબેન પટેલ તથા અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર અંજલીબેન ડોગડે અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંદીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને રાષ્ટ્રભાવનાને કોલાજ વર્કના માધ્યમથી આકર્ષક રીતે રજૂ કરી હતી.વિવિધ રંગો, ચિત્રો અને સર્જનાત્મક સામગ્રીના સુમેળ દ્વારા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ, સેવા, વિકાસ અને વિકસિત ભારતના સંકલ્પને જીવંત અભિવ્યક્તિ આપી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે વિદ્યાર્થીઓને પોતાના રસ અને રુચિના ક્ષેત્રને ઓળખી તેમાં સતત મહેનત કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા અને પ્રતિભાનો પણ વિકાસ કરે તે માટે પ્રોત્સાહન આપ્યું હતું.માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંદીપભાઈ પટેલે વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય તરફ સતત પ્રયત્નશીલ રહેવા શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સફળતા સાથે જવાબદાર અને સારા નાગરિક બનવાની ભાવના કેળવવા પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓ નિહાળી તેમની સર્જનાત્મકતાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કલાત્મક પ્રતિભા, કલ્પનાશક્તિ, ટીમવર્ક અને રાષ્ટ્રભાવનાને અભિવ્યક્ત કરવાની સુંદર તક મળી હતી. સાથે જ “સેવાના રંગ રાષ્ટ્રના સંગ”ના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાનો હેતુ પણ સાકાર થયો હતો.કાર્યક્રમના સફળ આયોજનમાં રંગ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમગ્ર શાળા પરિવાર, વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકમિત્રો, નોડલ જાગૃતિ પટેલ, નિશાબેન પટેલ તથા સહયોગી કર્મચારીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

અંતે, સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ ૨૭૫ થી વધુ વિદ્યાર્થીમિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપ્રેમ, સેવા, સર્જનાત્મકતા અને જવાબદાર નાગરિકત્વનો સંદેશ આપતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો હતો.

અમજદ સૈયદ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!