જંબુસર ના મગણાદ ગામે ઓવરલોડ હાઇવા ગાડીઓની અવર જવરથી બિસ્માર બનેલ રસ્તાનું કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ ન કરાતા ગ્રામજનો મુશ્કેલી મા મુકાઇ જવા પામ્યા છે.કાદવ કીચડ થી ખદબદતા નરકાગાર માર્ગ બાબતે સંબંધિત તંત્રને 3 મહિનાથી રજૂઆત કરવામાં આવતી હોવા છતાં તંત્ર ગાઢ નિંદ્રામા પોઢી ગયું હોવાના આક્ષેપો સાથે ખેડૂત આગેવાનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.જંબુસર તાલુકાના મંગણાદ ગામે રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના વિવાદના વમળોમાં ફસાઈ હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. મગણાદ ગામે તળાવ અને કાંસ ઊંડા કરવાની કામગીરીમાં મોટા પાયે કરવામાં આવતા માટી ભરેલા ભારે વજનદાર મસમોટા હાઇવા ગાડીઓ એ ગામના રોડ રસ્તાઓને ધૂળિયા માર્ગ બનાવી દીધા છે. જેને પગલે ગામના સ્થાનિક લોકો અને ખેડૂતો દ્રારા પંચાયત પર સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર , આ કામગીરી માટે દેવ કન્સ્ટ્રક્શન અને ખોડિયાર ટ્રેડિંગ નામના કોન્ટ્રાક્ટરોને ખોદકામની મંજૂરી આપવામાં આવી હતી. સ્થાનિક ખેડૂત આગેવાન ભરતભાઈ મકવાણા અને મુકેશભાઈ સિમરના જણાવ્યા અનુસાર મગણાદ ગામની સીમમાં આવેલા સરકારી તળાવો માંથી માટીનું ભારે ખોદ કામ કરીને ઓવરલોડ માટી ભરેલા હાઇવા ગાડીઓની અવર જવર થી રસ્તાઓની હાલત કફોડી બની જવા પામી છે.ખોદકામ દરમિયાન રાત દિવસ JCB થી માટી કાઢી ઓવરલોડ હાઇવા ગાડીઓ પસાર કરવામાં આવી રહી હતી.જેના કારણે નવીનગરી વિસ્તારથી મંગણાદ મુખ્ય માર્ગ, અંબાજી માતાના મંદિરથી ખેડૂતોના ખેતરો તરફ જતો માર્ગ અને મહાપુરા તરફ જતો રસ્તો સંપૂર્ણપણે ચીંથરેહાલ થઈ ગયો છે.રસ્તા પર મોટા ખાડા ટેકરા સર્જાતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.ઉક્ત માર્ગનો દૈનિક સેંકડો લોકો ઉપયોગ કરતા હોવાથી સમસ્યા વધુ ગંભીર બનવા પામી છે.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, રસ્તાની બિસ્માર હાલત અંગે સ્થાનિકો દ્વારા તંત્રના અધિકારી ઓને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત કર્યાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં અને સ્થળ મુલાકાત લીધા બાદ પણ રસ્તાના સમારકામની કોઈ જાતની કામગીરી હાથ ના ધરાતા ગ્રામજનો અને ખેડૂતો માં વહીવટી તંત્ર સામે વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો ની સ્પષ્ટ માંગ છે કે, જે કોન્ટ્રાક્ટરના વાહનોથી રસ્તાને નુકસાન થયું છે, તેની પાસેથી જ નુકસાનીની ભરપાઈ કરાવી રસ્તો પૂર્વવત બનાવવામાં આવે.જો તાત્કાલિક ધોરણે બિસ્માર રસ્તાનું સમારકામ અને ખોદકામની તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે તેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









