ભરૂચ ખાતે ” “સમરસ વિદ્યા સેતુ” અભિયાન ખુલ્લું મુકાયુ,માત્ર ધર્મ કે જ્ઞાતિના વાડામાં બંધાઈ રહેવાથી રાષ્ટ્રનો વિકાસ ન થાય :: જિલ્લા પ્રભારીમંત્રી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ખાતે જિલ્લા પ્રભારીમંત્રીના અધ્યક્ષસ્થાને “સમરસ વિદ્યા સેતુ” અભિયાન ખુલ્લું મુકાયું હતું.શાળા છોડી ગયેલા બાળકો માટે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.આ તબક્કે સમરસ વિદ્યા સેતુ અભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.સદર યોજનાને પગલે જિલ્લામાં ચાર હજાર જીવન યુ-ટર્ન લઈને ઉજ્જવળ ભવિષ્યને માર્ગે આગળ વધશે. શાળા છોડી ગયેલા (DROP OUT) બાળકોને શોધી, તેમને શિક્ષણ સાથે જોડવા માટેનો મહત્વકાંક્ષી પ્રયાસ એટલે સમરસ વિદ્યા સેતુ અભિયાન. ભરૂચ જિલ્લામાં આ અભિયાનના ઉદ્ઘાટન સમારંભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ સ્થિત શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે,જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે સ્વાગત પ્રવચન કરી સમરસ વિદ્યા સેતુ અભિયાન વિશેના ફેઝ -૦૧ની વાત કરીને કાર્યક્રમનો ઉદેશ્ય સાથે શિક્ષકો, અધિકારીઓએ કરેલી કામગીરીને બિરદાવીને તમામ મહાનુભાવોનું અભિવાદન કરીને આવકાર્યા હતા.બાળકોને પુન: શાળામાં પ્રવેશ આપવાના ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શિક્ષકો,વિવિધ પ્રકારની મદદ પૂરી પાડતી વિવિધ સામાજિક સંસ્થાઓ, કંપનીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાથે જ જંબુસર તાલુકાના ૨૫ જેટલા બાળકોને શાળાએ જવા- આવવા માટે પ્રતિકાત્મક રીતે સાયકલની ચાવી અર્પણ આપવામાં આવી હતી. સમરસ વિદ્યા સેતુ અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા પ્રભારીમંત્રી એ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા બાળકોને શોધીને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સમરસ વિદ્યા સેતુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને ચાલુ વર્ષે જેમણે શાળા છોડી છે તેવા ૪,૦૦૦ બાળકોને પુનઃ શિક્ષણની મુખ્યધારામાં લાવવા, એનાથી મોટી ક્રાંતિ કે વિકાસનું બીજું પરિણામ શું હોઈ શકે એમ ભાર પૂર્વક જણાવ્યું હતું પાયાના બેઝ પર બંધારણ બચાવવાનો જો કોઈ શ્રેષ્ઠ કાર્યક્રમ હોય, તો તે આ શિક્ષણ અને શાળા પ્રવેશનો કાર્યક્રમ છે. આજે ગુજરાતમાં ગામડે-ગામડે શિક્ષણનો યજ્ઞ ચાલી રહ્યો છે. જે બાળકોએ કોઈ કારણસર શાળા છોડી દીધી હતી, એમને ફરીથી જ્ઞાનના આ યજ્ઞમાં પ્રજ્વલિત કરવામાં આવી રહ્યા છે. બાળકોનું ભવિષ્ય અને સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવા સરકારના અવિરત પ્રયાસથી છેવાડાના માનવી સુધી શિક્ષણનો ઉજાસ પહોંચી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રનો એક નાગરિક પણ જો અશિક્ષિત રહે તો તે સમાજને પોષાય નહીં. જ્ઞાન પ્રાપ્ત થશે તો જ માણસ સાચું , સાદું અને સાત્વિક જીવન જીવી શકશે. આપણી ભારતીય સંસ્કૃતિએ આખી દુનિયાને એક વૈશ્વિક નારો આપ્યો છે: ‘વસુધૈવ કુટુંબકમ્’—સમગ્ર દુનિયા આપણો પરિવાર છે અને માનવતા આપણો ધર્મ છે. માત્ર ધર્મ કે જ્ઞાતિના વાડામાં બંધાઈ રહેવાથી રાષ્ટ્રનો વિકાસ ન થાય,સાચો વિકાસ શિક્ષણથી જ શક્ય છે.

અંતે, બાળકોને શાળા સુધી લાવનારા અને સંસ્કારિત કરનારા તમામ શિક્ષકોને તેમણે અભિનંદન નહીં પણ શિર ઝુકાવીને વંદન કર્યા હતા. જિલ્લામાં ચાર હજાર જીવન યુ-ટર્ન લઈને ઉજ્જવળ ભવિષ્યને માર્ગે નવી દિશા તરફ આગળ વધી રહ્યા છે, તે તમામ બાળકોને આ તકે શુભેચ્છાઓ પાઠવી હતી.

દિકરીના ઘરે પહોંચી માતાને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ દિકરીને પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો….

રાજ્ય સરકારના “બેક ટુ સ્કૂલ અભિયાન” અંતર્ગત “સમરસ સેતુ વિદ્યા અભિયાન” હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. વિવિધ કારણોસર ધોરણ ૧ થી ૧૨ વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા આશરે ૪,૦૦૦ દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં સફળતા મળી છે.ભરૂચ ખાતે યોજાયેલ સમરસ સેતુ વિદ્યા અભિયાન કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણથી વંચિત રહેલા દરેક બાળકને ફરીથી જ્ઞાનના માર્ગે આગળ વધારવાનો આ પ્રયાસ માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પવિત્ર યજ્ઞ છે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીએ ભરૂચ શહેરની અંબે માતા વિદ્યાલયમાંથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ – ૨૫ બાદ ધોરણ- ૮ પછી અભ્યાસ છોડી દીધેલ દીકરી હિરલબેન દિનેશભાઈ મીરના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીએ દીકરીની માતા સાથે આત્મીય સંવાદ કરી શિક્ષણનું જીવનમાં રહેલું મહત્વ, દીકરીના ભવિષ્ય નિર્માણમાં શિક્ષણની ભૂમિકા અને અભ્યાસ ચાલુ રાખવાની આવશ્યકતા અંગે વિસ્તૃત સમજણ આપી હતી. મંત્રીની લાગણીસભર સમજાવટ અને પ્રેરણાદાયી વાતોથી પ્રભાવિત થઈ દીકરી તથા તેમની માતાએ હકારાત્મક પ્રતિસાદ આપતાં પુનઃ અભ્યાસ શરૂ કરવા સંમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ અંબે માતા વિદ્યાલયના આચાર્યની ઉપસ્થિતિમાં હિરલબેનનો શાળામાં પુનઃ પ્રવેશ કરાવી તેમને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!