વાગરા તાલુકાના લીમડી ગામના બે આશાસ્પદ યુવાનો ઊંડા કાંસમાં ડૂબતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બે યુવકો અચાનક પાણીમાં ડૂબતા ગામમા શોકનું મોજું પ્રસરી જવા પામ્યું હતું.વરસાદી સિઝનની મજા માણવા એકસાથે નીકળેલા મિત્રોને ખબર ન હોતી કે આજની આ રમત તેમના માટે આખરી સાબિત થશે.

વાગરા તાલુકાના લીમડી-અંભેલ માર્ગ પર આવેલો કાંસ આજે બે પરિવારો માટે કાળમુખો સાબિત થયો હતો. ગરમીથી રાહત મેળવવા અને મોજમસ્તી સાથે પાણીમાં ઉતરેલા મિત્રોની ખુશીઓ ક્ષણવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.ઊંડા કાંસમાં ઉતરેલા યુવકો જોતજોતામાં ઊંડા પાણીમા ગરકાવ થઈ ગયા હતા. લીમડી ગામના બે આશાસ્પદ યુવાનો મહમદ ઇલ્યાસ ગર્ગર ઉ.વ આશરે ૨૧ તેમજ તબરેજ મુબારક પટેલ ઉ.વ આશરે ૨૦ વર્ષ નું પાણીમાં ડૂબી ગયા હતા. કાંસના કિનારે બેઠેલા સાથી મિત્રોએ પોતાના જીવના જોખમે એક મિત્રને તો કાળના મુખમાંથી સહીસલામત બહાર ખેંચી લીધો, પરંતુ બાકીના બે મિત્રો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

કાળજુ કંપાવી દેનાર ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આખું લીમડી ગામ ઘટના સ્થળે દોડી ગયું હતુ. વહાલસોયા દીકરાઓને આંખો સામેથી ગાયબ થયેલા જોઈને માતા-પિતા અને પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણમાં ગમગીની ની સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. હાલ તો સ્થાનિક તરવૈયાઓ, વાગરા પોલીસ અને ૧૦૮ ની ટીમ દ્વારા પાણીના ઊંડાણમાં બંને યુવકોની શોધખોળ ચાલી રહી છે.ત્યારે મહંમદ ઈલ્યાસ ગર્ગર ની લાશ પાણીમાંથી મળી આવતા તેનો કબ્જો મેળવી પોલીસે પીએમ અર્થે રવાના કરી હતી.

હજી લાપતા એક યુવકને શોધવા તંત્ર આકાશ પાતાળ એક કરી રહ્યું છે.જેઓની મદદે ભરૂચ SDM અને ભરચ નગરપાલિકા ની ટિમ સ્થળ ઉપર પહોંચી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા









