કડોદરાની બીવીસી કંપની સામે વરસાદની આડમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો આક્ષેપ..!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના કડોદરા ગામે આવેલ બીવીસી કંપની સામે વરસાદની આડમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો ગ્રામજનોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.વધુમાં જળ પ્રદુષણ બાદ સ્વ બચાવમાં પુરાવા નષ્ટ કરવાનો પણ આરોપ લાગ્યો છે.ભરૂચ જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક પ્રદૂષણના મુદ્દે સતત ચર્ચામાં રહ્યો છે.વરસાદી પાણીની સાથે પ્રદૂષિત પાણી છોડવાના આક્ષેપો થઈ રહયા છે.

વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી બીવીસી સ્પેશિયલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પણ પંથકના લોકોના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, કંપની દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વરસાદનો લાભ લઈ વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત અને સોલવન્ટ જેવા પદાર્થયુક્ત પાણી કંપનીની બહાર સરકારી કાસ વિસ્તારમાં છોડવામાં આવ્યું હતું.

પાણીનો રંગ, દુર્ગંધ અને તેની સપાટી ઉપર તરતા કેમિકલ જેવા પદાર્થોને જોઈ સ્થાનિક લોકો તેમજ પર્યાવરણવાદીઓ માં ભારે ચિંતા અને રોષ ફેલાયો હતો.ગામના જાગૃત વડીલોએ પ્રથમ તબક્કે કંપનીના એચઆર હેડ ટ્વીનકલ મેડમને મળવાનો પ્રયાસ કર્યો હતો અને કંપનીના અધિકારીઓ અમિતભાઈ પંડ્યા અને જીજ્ઞેશભાઈ પટેલને આ બાબતની જાણ કરી હતી.

જોકે, કંપનીના અધિકારીઓ દ્વારા આ પાણી કંપનીના યુનિટમાંથી નહીં પરંતુ જમીનમાંથી નીકળતું હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ ગ્રામજનો આ દાવાથી સંતુષ્ટ ન થતાં અન્ય લોકોને જાણ કરી અને સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) ને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, જીપીસીબી ની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લઈને પાણી તેમજ પાણીની સપાટી ઉપર તરતા સોલવન્ટ જેવા પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે, સૌથી ગંભીર આક્ષેપ એ છે કે જીપીસીબી ના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચે તે પહેલાં જ કંપની દ્વારા પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર, જ્યાં કેમિકલયુક્ત પાણી એકત્ર થયું હતું ત્યાંથી રાતોરાત સુપર સક્કર મશીન બોલાવી પાણી દૂર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, જે સ્થળે પાણી અને કેમિકલયુક્ત કાદવ એકત્ર થયો હતો ત્યાં જેસીબી મશીન વડે ખોદકામ કરી દૂષિત માટીના પુરાવાઓ પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર સ્થળને સમતલ કરી દેવામાં આવ્યું હોવાનું પણ ગામલોકો જણાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કડોદરા ગ્રામ પંચાયત દ્વારા BVC કંપનીને નોટિસ આપી સરકારી કાસ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ગંદુ અથવા કેમિકલયુક્ત પાણી છોડવા અંગે ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદની આડમાં પ્રદૂષણ છોડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો ગામલોકો દ્વારા કરવામાં આવ્યા છે.નોંધપાત્ર છે કે દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાણીની આડમાં પ્રદૂષણનો ખેલ કેટલો વ્યાપક છે અને આવા બનાવોમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી? સ્થાનિક લોકોનું કહેવું છે કે જો કંપની દ્વારા ખરેખર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોય અને ત્યારબાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, તો તે માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ જાહેર આરોગ્ય, પશુધન, ખેતી અને ભૂગર્ભ જળ માટે પણ ગંભીર ખતરો ઉભો કરી શકે છે.

ગ્રામજનોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ ની માંગ સાથે જીપીસીબી દ્વારા લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ જાહેર કરવા, ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી જવાબદાર કંપની અને અધિકારીઓ સામે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ-1986, પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-1974 અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.હાલ સમગ્ર કડોદરા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં આ મુદ્દે ભારે ચર્ચા એ જોર પકડ્યું છે અને લોકો હવે જીપીસીબી ના સેમ્પલ રિપોર્ટ તથા સરકારની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. જો સમયસર અને પારદર્શક તપાસ નહીં થાય તો સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને કાનૂની લડતની ચીમકી ઉચ્ચારી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!