દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કારેલા ગામ નજીક આવેલ રેસ્ટ એરિયામાં પાર્ક એમ્બ્યુલન્સ વાનમાંથી અંકલેશ્વરનો આધેડ મૃત અવસ્થામાં મળી આવતા ભરૂચ રૂરલ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી વિગતો અનુસાર તારીખ ૮ જુલાઈના રોજ સવારના ૫-૪૫ થી સાંજના ૬ વાગ્યાના સમય દરમ્યાન કારેલા ગામ નજીક આવેલ દીલ્લી-મુંબઈ એક્ષપ્રેસ હાઈ-વે રોડના રેસ્ટ એરીયા સ્થિત ઈંડીયન ઓઈલ પેટ્રોલપંપના કંપાઉન્ડમાં પોતાની ફોરવ્હિલ એમ્બ્યુલન્સ ગાડી નં.જીજે ૧૭ એક્સ એક્સ ૯૪૩૨ મા નરેંદ્રભાઈ ગણેશભાઈ લોઢારી ઉ.વ-૫૧ રહે.- મકાન નં.-RDLM-4, અમી કોલોની, અંકલેશ્વર GIDC, જી.-ભરૂચ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આ અંગે તેમના પુત્ર કુશ નરેંદ્રભાઈએ પોલીસને જાણ કરતા ભરૂચ રૂરલ પોલીસે લાશનો કબ્જો મેળવી પી એમ અર્થે રવાના કરી મોતના કારણો બાબતે તપાસ આરંભી છે.મોત નું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે.હાલ તો સદર બનાવ અંગે કુદરતી મોત છે કે મોત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ ની સાથે અનેક શંકા કુશંકા પ્રવર્તી રહી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ









