આમોદ તાલુકાના કોલવણા ગામની પ્રાથમિક મિશ્ર શાળા, હાઈસ્કૂલ તેમજ બાલવાટિકામાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને ભરૂચ ખાણ અને ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી નિકુલભાઈ દેસાઈના વરદ હસ્તે પ્રવેશવિધિ હાથ ધરાઈ હતી. પ્રવેશોત્સવ પ્રસંગે સંબોધન કરતાં ભૂસ્તર શાસ્ત્રી નિકુલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે એકાગ્રતા, મહેનત અને હિંમતના બળે દરેક વિદ્યાર્થી પોતાની મંજિલ હાંસલ કરી શકે છે. તેમણે સમાજના તમામ લોકોને વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે સામૂહિક પ્રયાસો કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે “આજે હું ગામ અને દેશના વિકાસનો પાયાનો પથ્થર મુકવા આવ્યો છું.”તેમણે વિદ્યાર્થીઓને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ અને સુનિતા વિલિયમ્સ જેવા મહાન વ્યક્તિત્વોના ઉદાહરણો ટાંકીને શિક્ષણનું મહત્વ સમજાવ્યુ હતુ. સાથે જ દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડોક્ટરનો પોશાક પહેરીને આવેલી નાનકડી મેહરીને ભૂસ્તરશાસ્ત્રીનું ચેકઅપ કરતા ઉપસ્થિતોમાં હાસ્ય અને આનંદનો માહોલ સર્જાયો હતો.

ભૂસ્તરશાસ્ત્રી એ બાળકીના ભવિષ્ય વિશે પૂછતાં તેણીએ આત્મવિશ્વાસપૂર્વક ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાળા સંકુલમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિલાયત સ્થિત જુબીલન્ટ કંપનીના સહયોગથી નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને લંચ બોક્સનું વિતરણ કરી તેમનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વાલીઓ, ગ્રામજનો, શાળા પરિવાર, આચાર્ય, સરપંચ,તલાટી કમ મંત્રી તેમજ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ,આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









