ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૧ લાખ ૩૩ હજારથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.સમગ્ર ચૂંટણી દરમિયાન ઓડ ખાતેના કંટ્રોલરૂમથી જિલ્લા ચૂંટણી તંત્રએ સઘન મોનિટરિંગ કર્યું હતું. જનરલ ઓબ્ઝર્વર અને જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.ઉમરેઠ પેટા ચૂંટણીમાં સાંજના ૫ વાગ્યા સુધીમાં કુલ ૭૧૪૨૯ પુરૂષ અને ૬૨૧૯૮ મહિલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી અંતર્ગત વહેલી સવારના ૭ કલાક થી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સમગ્ર ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ૪૬ ગામોમાં પથરાયેલા કુલ ૩૦૬ મતદાન મથકો પર મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવાર થી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર લાઈનોમાં ઉભેલા નજરે પડ્યા હતા.

સવારે ૭ થી ૯ કલાકના પ્રથમ બે કલાકમાં ૧૦% મતદાન નોંધાયું હતું, જેમાં ૨૪,૪૨૦ મતદારોએ ભાગ લીધો હતો. જેમાં ૧૬૨૮૨ પુરુષ મતદારો અને ૮૧૩૮ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ સવારે ૧૧ વાગ્યા સુધીમાં કુલ મતદાનની ટકાવારીનો આંકડો ૨૫.૬૫% એ પહોંચ્યો હતો, જેમાં ૬૩,૦૫૯ મતદારોએ પોતાનો મત આપ્યો હતો, જેમાં ૩૭૮૫૧ પુરુષ મતદારો, ૨૫૨૦૫ મહિલા મતદારો અને ૩ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.બપોરના ૧ વાગ્યા સુધીમાં મતદાનનો ગ્રાફ વધીને ૩૭.૨૩% થયો હતો, જેમાં કુલ ૯૧,૪૩૮ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૫૧૩૮૩ પુરુષ મતદારો, ૪૦૦૫૨ મહિલા મતદારો અને ૩ ત્રીજી જાતિના મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે બપોરના સમયે ૩:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧,૧૪,૫૯૧ મતો સાથે ૪૬.૬૫% મતદાન થયું હતું. જેમાં ૬૧૭૦૮ પુરુષ મતદારો, ૫૨૮૮૦ મહિલા મતદારો અને ૩ ત્રીજી જાતિના મતદારો નોંધાયા હતા.સવારના ૭ થી સાંજના ૫ વાગ્યા સુધીની પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરેઠ વિધાનસભામાં કુલ ૫૪.૪૨% મતદાન નોંધાયું છે.આ લખાઈ રહ્યું છે ત્યારે કુલ ૧,૩૩,૬૩૦ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાંથી કુલ ૬૨,૧૯૮ મહિલા મતદારો, ૭૧,૪૨૯ પુરૂષ મતદારો અને ૩ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.

જે દર્શાવે છે કે લોકશાહીના આ પર્વમાં સમાજના દરેક વર્ગે પોતાની ભાગીદારી નોંધાવી છે.ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી અને ન્યાયી રીતે સંપન્ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઓડ ખાતે જિલ્લા કક્ષાનો અત્યાધુનિક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમ દ્વારા તમામ ૩૦૬ મતદાન મથકો પર ચાલી રહેલી પળેપળની ગતિવિધિઓ પર ટેકનોલોજીના માધ્યમથી સીધી નજર રાખવામાં આવી હતી.નોંધનીય છે કે સમગ્ર દિવસ દરમિયાન ૪૬ ગામોના ૩૦૬ મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વહીવટી તંત્રની સતર્કતા અને પોલીસ બંદોબસ્તને કારણે ક્યાંય પણ અવ્યવસ્થા સર્જાઈ ન હતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









