વાગરાના મહેસુલ વિભાગના નાયબ મામલતદારના તોછડા વર્તનથી અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.આ અંગે કેટલાક જાગૃત નાગરિકોએ નાયબ મામલતદાર મહેસૂલના તુમાખીભર્યા વર્તન બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા ચક્રો ગતિમાન કર્યા છે.વાગરા તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા મહેસુલ નાયબ મામલતદારના તોછડા અને અસભ્ય વર્તનને કારણે સામાન્ય જનતામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.વાગરાની મામલતદાર સરકારીએ દૂર દૂરના અંતરિયાળ ગામોથી પોતાના કામો અને રજૂઆત લઈને આવતા ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારો સાથે વાગરાના મહેસુલ નાયબ મામલતદાર ઉદ્ધત અને અવિવેકી વર્તનથી સામાન્ય જનતા કંટાળી જવા પામી છે.ડેપ્યુટી મામલતદાર થકી કરવામાં આવતું વર્તન શિષ્ટાચારની તમામ સીમાઓ ઓળંગી રહ્યું હોવાની મોટાપાયે બુમો ઉઠવા પામી છે.જાણે પોતે જ તાલુકા મામલતદાર હોય તેવા વહેમમાં રહેતા સરકારી બાબુ ની આપખુદશાહી વર્તણુંક અંગે જાગૃત નાગરિકોએ કલેકટરને ફરિયાદ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

દૂર-દૂરના ગામડાઓમાંથી પોતાના જમીન મહેસુલના કામો કે અન્ય પ્રમાણપત્રો માટે આવતા ખેડૂતો અને અરજદારોને કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ, જ્યારે તેઓ આ કર્મચારીને મળવા જાય છે ત્યારે તેમને સરકારી બાબુ અપમાનિત કરતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.કચેરીના અંગત સૂત્રો થકી મળેલ માહિતી અનુસાર,નાયબ મામલતદાર દ્વારા અરજદારોના પ્રશ્નો સાંભળવાને બદલે તેમને ધમકાવવામાં આવે છે અથવા “બહાર નીકળો” કહીને હાંકી કાઢવામાં આવે છે ની ફરિયાદો પણ અરજદારો કરી રહયા છે.મહેસુલ વિભાગની મહત્વની ફાઈલો અને કામગીરીમાં બિનજરૂરી વિલંબ કરવામાં આવતો હોવાથી અરજદારોને વારંવાર કચેરીના ધક્કા ખાવાની પણ ફરજ પડી રહી છે.કચેરીએ કામો લઈને આવતા નાગરિકોનું કહેવું છે કે, “સરકાર એક તરફ પારદર્શક વહીવટની વાતો કરે છે, ત્યારે આવા અધિકારીઓ સરકારની છબી ખરડી રહ્યા છે. જો કોઈ વયવૃદ્ધ અરજદાર કામ બાબતે વિનંતી કરે, તો પણ તેમની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવે છે.”તેવા પણ આક્ષેપો થઈ રહયા છે.સદર સમસ્યા અંગે વાગરાના જાગૃત નાગરિકો અને અસરગ્રસ્ત અરજદારો જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને આ બાબતે લેખિત રજૂઆત કરવાની તૈયારી કરી રહયા છે. લોકોની માંગ છે કે આ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે.તેમજ અરજદારો સાથે સૌજન્યપૂર્ણ વર્તન કરવા માટે કડક સૂચના આપવામાં આવે.જો આ ઉડીને ધુમાડે ફાટેલા સરકારી બાબુના વાણી વર્તનમા જો વહેલી તકે સુધારો નહીં આવે, તો આગામી સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









