ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી “નો ડ્રગ્સ ઇન ભરૂચ” ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં વાગરા તાલુકાના કલમ ગામમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ૧ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ ૨૦,૯૧૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી નશાનો કાળો કારોબાર ચલાવનારા તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે.

વાગરા પોલીસનું ઐતિહાસિક ઓપરેશન: કલમ ગામેથી ગાંજાનો જથ્થો ઝડપાયો, NDPS નો પ્રથમ ગુનો દાખલ ભરૂચ જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ વાગરા પોલીસ સ્ટેશનના પી.આઈ એસ.ડી ફૂલતરિયાનાઓએ નશાયુક્ત પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે એક વિશેષ ટીમનું ગઠન કર્યું હતું. આ ટીમને પેટ્રોલિંગ અને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે, કલમ ગામની નવીનગરીમાં રહેતો સાજીદ મહંમદ સણવી નામનો ઇસમ તેના ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડીને તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. આ માહિતી મળતાં જ પોલીસ ટીમ સક્રિય બની હતી. વાગરા પી.આઈ એસ.ડી ફૂલતરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખીને સાજીદના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. આકસ્મિક દરોડાથી સ્તબ્ધ થયેલા આરોપીના ઘરની તલાશી લેતાં પોલીસને અંદર છુપાવેલો ગેરકાયદેસર નશાકારક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે જ ૧ કિલો ૩૪૧ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. વધુ તપાસમાં બહાર આવ્યું કે આરોપી આ ગાંજાને નાની નાની પડીકીઓમાં ભરીને સ્થાનિક યુવાનોને વેચી રહ્યો હતો.
યુવાધનને ડ્રગ્સથી બચાવવા પોલીસ કટિબદ્ધ, ગાંજાના વેચાણ કરતા ઈસમની ધરપકડ :

આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપી સાજીદ મહંમદ સણવીની ધરપકડ કરી હતી. ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે તેની પાસેથી ગાંજાનું વજન કરવા માટેનો વજન કાંટો, મોબાઇલ ફોન અને રોકડ પણ જપ્ત કરી હતી. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ૨૦,૯૧૦ થાય છે. વાગરા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો છે, જે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે. આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ આમોદના પી.આઈ. આર.બી. કરમટીયાને સોંપવામાં આવી છે. આ સફળ ઓપરેશનને પાર પાડવામાં પી.આઈ ફૂલતરિયાની સાથે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ, વિપુલભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, પ્રકાશકુમાર, પ્રવિણસિંહ, શૈલેષભાઈ અને કાજલબેન સહિતની ટીમે નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનો કાળો કારોબાર ચલાવતા તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









