ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલા એસ.ટી. ડેપોના પાછળના ભાગે આવેલા એક ટાયર પ્લાન્ટના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં હડકંપ મચી ગયો હતો. ટાયરોમાં લાગેલી આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગાઢ ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દૂર દૂરથી દેખાઈ રહ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું. પાલિકાની ત્રણ ફાયર ફાઈટર ગાડીઓ અને જીએનએફસીના બે ફાયર ફાઈટરો સહિત કુલ પાંચ ફાયર ટેન્ડરોએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો.

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે કામદારો સહિત હાજર તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલા અંદાજિત 170 જેટલા ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગની જાણ થતાં જ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









