ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ ના આયોજન બાબતે ડેપ્યુટી કલેકટર એ.પી.ગોહિલ ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરાયું હતું.

જેમાં આગામી ૬ ઓગસ્ટ ના રોજ યોજાનાર સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિવિધ શાળા-મહાશાળાઓ દ્વારા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તેવા ટેબ્લો રજૂ કરાશે. સાથે વિવિધ વેશભૂષા સાથે બાળકો, સંસ્કૃત રાસ ગરબા અને ગીતોની પ્રસ્તુતિ સાથે યાત્રા આગળ વધશે. વિવિધ સંસ્કૃત ટેબ્લોમા સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ (સાયન્સ ઇન સંસ્કૃત), સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ અને સૂત્રો તેમજ પ્રાચીન ભારતની ધરોહર સંસ્કૃતમાં રચાયેલ સાહિત્ય વગેરે વિષયો પર રજૂ થશે. યાત્રા દરમિયાન સંસ્કૃત ગુરુકુળના વિદ્યાર્થીઓ વેદ જ્ઞાન મંત્રોચ્ચાર સાથે રજૂ કરશે. સમગ્ર યાત્રામાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.

યાત્રાના સ્થળે તારીખ ૬ ઓગસ્ટ ના દિવસે સંસ્કૃત પ્રદર્શની, સંસ્કૃત ગ્રંથ પ્રદર્શની અને વિવિધ ચિત્રાત્મક રજૂઆતો રજૂ કરવામાં આવશે. તેમજ હાલ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ અને ૯ થી ૧૨ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા, સ્તોત્ર ગાન સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન પણ કરાયુ છે.સંસ્કૃત સપ્તાહ દરમિયાન તારીખ ૬ ઓગસ્ટ ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રા, તારીખ ૭ ના રોજ સંસ્કૃત સંભાષણદિનની ઉજવણી કરવામાં આવશે. જ્યારે તારીખ ૮ ઓગસ્ટ ના રોજ સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી પ્રદર્શની સ્વરૂપે કરવામાં આવશે.સમગ્ર યાત્રાનો હેતુ રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત ભાષાને મુખ્ય ધારામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી અનિવાર્ય રૂપે શરૂ રાખવાનો છે. ગુજરાત સરકાર અને સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમનો લાભ વિદ્યાર્થીઓ અને ઘર ઘર સુધી સંદેશો પહોંચે તે હેતુસર આ યાત્રા યોજાશે. યોજના પંચકમની મુખ્ય બાબતો મા સંસ્કૃત સપ્તાહ ઉત્સવ યોજના, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના તેમજ શ્રીમદ્ ભગવત ગીતા યોજના અને શતમ સુભાષિત કંઠપાઠ યોજના નો સમાવેશ થાય છે.ઉક્ત બેઠકમાં જિલ્લા કલેકટર પ્રોટોકોલ,સુરત એ.પી.ગોહિલ દ્વારા તમામ શાળાઓ દેવભાષા સંસ્કૃતના સંવર્ધન માટે સહભાગી થાય તેવી વ્યવસ્થા કરવા સૂચન કરાયું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી સુરત, ડૉ.ભગીરથસિંહ પરમાર દ્વારા સુરત શહેર અને જિલ્લાની તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શાળા, વાલીઓ અને જાહેર જનતાને સંસ્કૃત ગૌરવ યાત્રા સંસ્કૃત સંભાષણ દિન તથા સંસ્કૃત પ્રદર્શિનીમાં જોડાવા આહવાન કર્યું હતું. નોડલ અધિકારી ડૉ.સંગીતાબેન મિસ્ત્રીએ આ ત્રીદિવસીય કાર્યક્રમમાં થનારી પ્રવૃત્તિઓ રૂટ વગેરેથી સૌને માહિતીગાર કર્યા હતા.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









