વાગરા: સાયખા અને વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ, વરસાદી માહોલમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આજરોજ ૨૨ જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ ૮૩૨૬ ગ્રામપંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચની કુલ ૬૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે.

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૬૭ ગ્રામ પંચાયતોમાં ૨૮૭ વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા. અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે. ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે કુલ ૧,૪૬,૫૨૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૭૪,૫૮૭ પુરુષ મતદારો અને ૭૧,૯૩૬ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. વાગરા તાલુકામાં સામાન્ય ૦૧, વિસર્જન ૦૧, પેટા ૦૦, મળી કુલ ૦૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે.

વાગરા તાલુકાની સાયખા અને વડદલા ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સાયખાની પ્રાથમિક શાળામાં યોજાયેલ ચૂંટણીમાં ૮૮૭ મતદારો પૈકી સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૧૮૯ તેમજ ૧ કલાક સુધીમાં ૪૦૫ મતદારોનું મતદાન મળી ૧ વાગ્યા સુધીમાં કુલ ૪૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

જ્યારે વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ૬૬૨ મતદારો નોંધાયા છે. જે પૈકી બપોરે ૦૧ વાગ્યા સુધીમાં ૫૧ ટકા મતદાન નોંધાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ ખડેપગે તૈનાત નજરે પડી હતી. યોજાયેલ ચૂંટણીમાં પુરુષ કરતા મહિલા મતદારોએ મતદાન માટે વધુ જાગૃતિ બતાવી હતી. મતદાન મથકો ઉપર મહિલાઓની લાંબી કતારો નજરે પડી હતી. નોંધનીય છે, કે બેલેટ પેપરથી યોજાઈ રહેલ મતદાન પ્રક્રિયામાં કેટલાક મતદારો અવઢવમાં મુકાયા હોવાનું પણ જણાયું હતું.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!