નગરના જાહેર માર્ગો ઉપર નધણીયાત રખડતા ઢોરો વાહન ચાલકો માટે જોખમી
ડભોઇ નગરમાં છેલ્લા કેટલા દિવસોથી જાહેર માર્ગ ઉપર રખડતા નધણીયાત ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જવા પામ્યો છે. આવા ઢોરો જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે, જેથી આવતા જતાં નગરજનો અને વાહન ચાલકો માટે ભારે વિટંબણા ઊભી થાય છે અને મોટું જીવનું જોખમ સર્જાય તો કોઈ નવાઈ નહિ. અગાઉ નાના-મોટા અકસ્માતો પણ આના કારણે થવા પામ્યા હતા. ડભોઇ નગરપાલિકાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે એ જરૂરી છે નું નગરજનો માં ચર્ચાઈ રહ્યું છે.

ડભોઇ નગરમાં સરીતા બ્રિજ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના સ્ટેટ હાઇવે ઉપરના માર્ગ ઉપર તેમજ ડભોઇ નગરના તમામ મુખ્યમાર્ગો ઉપર નધણીયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય તો કોઈ નવાઈ નહીં રહે કારણકે નગરપાલિકાનું વહીવટી તંત્ર કોઈ મોટી જાનહાનિ ની રાહ જોઈને બેઠું હોય તેવું હાલમાં જણાઈ રહ્યું છે. કારણકે રાત્રીના અંધકારમાં વાહન ચલાવતા વાહનચાલકો માટે આવા ઢોર મોટા જોખમરૂપ બનતા હોય છે. કોઈ જાનહાનિ સર્જાતા પહેલા નધણીયાત રખડતા ઢોરોને ઢોર ડબ્બામાં પુરવાની કામગીરી વહેલી તકે ચાલુ કરાય તેવી નગરજનોની લાગણી અને માંગણી છે. ગુજરાત ભા.જ.પા. ના પ્રદેશ પ્રમુખે અગાઉ મહા નગરનો ના સત્તાધીશો ને રખડતા ઢોરોની બાબતમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી.
આ સાથો સાથ નગરપાલિકાના સત્તાધીશોને પણ આ નોંધ લેવા જણાવ્યું હતું. તો હાલના સત્તાધીશો પક્ષ પ્રમુખની સૂચનાઓ સાંભળશે કે પછી પોતાની મનમાની મુજબ જ વહીવટ ચલાવશે. સરકારશ્રી દ્વારા નધણીયાત રખડતા ઢોરોને પકડીને પૂરવા માટે ઢોર ડબ્બા તૈયાર કરવામાં આવે છે. પરંતુ ડભોઇમાં આ ઢોર ડબ્બા જયારથી બન્યા ત્યારથી આ ડબ્બામાં અત્યાર સુધી નધણીયાત રખડતા ઢોરોને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. તો શું આ ઢોર ડબ્બા કાગળ ઉપર બતાવવા પૂરતા જ વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હશે ? હાલના સરકારશ્રીના સ્વપ્નો ઉપર અનગઢ વહીવટી તંત્ર પાણી ફેરવી રહ્યું છે. હાલમાં ચાલતી ચર્ચા મુજબ જો આ ડભોઇ નગરપાલિકા આ ઢોર ડબ્બા પુનઃસક્રિય કરી નધણીયાત રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરે તો ડભોઇ નગરમાં તેમજ નગરની બહારના મુખ્ય માર્ગો પર નધણીયાત રખડતા ઢોરોને કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાય નહિ અને રાહદારીઓને અને વાહન ચાલકોને મોટી રાહત થાય તેમ છે.

ડભોઇ સિનોર ચોકડી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના સ્ટેટ હાઇવે ઉપરના માર્ગ પર નધણીયાત રખડતા ઢોરો તસવીર માં નજરે પડે છે.
તસવીર :- બાલકૃષ્ણ શાહ –ડભોઇ









