વિલાયત-દેરોલ માર્ગ પર ટ્રાફિકનો નરક, ચોમાસા પહેલા અધૂરી કામગીરી, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોનો આતંક, બેદરકારી અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના વિલાયત-દેરોલ માર્ગ પર સર્જાયેલી ટ્રાફિકની ભયંકર સમસ્યા હવે માત્ર અગવડતા નહીં પણ તંત્રની નિષ્ફળતા અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગઈ છે. ‘માત્ર પાંચ મિનિટનો રસ્તો’ કાપવા માટે કલાકો સુધી અટવાઈ રહેતા નોકરીયાત વર્ગ અને વાહનચાલકોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સવાલ એ છે કે, આ સમસ્યા માટે જવાબદાર કોણ

માર્ગની અધૂરી કામગીરી છોડનાર કોન્ટ્રાકટર સામે તંત્રની લાપરવાહી! :

 

આ માર્ગ પર એક તરફનો રસ્તો ખોદી નાખીને તેને બરબાદ કરી દેવાયો છે. વન-વે બનેલા આ રસ્તા પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે. જે રોજબરોજ ટ્રાફિકજામનું મુખ્ય કારણ બને છે. સવાર-સાંજના સમયે GIDCમાં આવતા-જતા હજારો વાહનો અને તેમાંય ખાસ કરીને નોકરીયાત વર્ગના લોકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહે છે, તેમનો કિંમતી સમય અને મહેનત વ્યર્થ જાય છે. આ માર્ગની હાલત માટે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગત જવાબદાર હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ચોમાસા પહેલા જ કોન્ટ્રાક્ટરને ખબર હતી કે, આ માર્ગનું કામ સમયસર પૂર્ણ નહીં થાય છતાં તેણે બેફિકરાઈપૂર્વક એક તરફનો આખો રસ્તો ખોદી નાખ્યો અને કામ અધૂરું છોડી દીધું છે. આ પ્રકારની બેદરકારી માત્ર અજ્ઞાનતા નથી પરંતુ સીધો ભ્રષ્ટાચાર અને લોકોની મુશ્કેલીઓ પ્રત્યેની ઉપેક્ષા દર્શાવે છે. આ આડેધડ કામગીરીને કારણે જ આજે હજારો લોકો રોજ હાલાકી ભોગવી રહ્યા છે.

માર્ગની આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? જનતા પૂછી રહી છે સવાલ! 

આખરે આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે? જનતા સીધા સવાલો પૂછી રહી છે. શું આ રોડનું કામ અધૂરું છોડી દેનાર લાપરવાહ કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી થશે? શું આળસુ અને બેજવાબદાર તંત્ર સામે કોઈ કાયદેસર પગલાં ભરવામાં આવશે? આ સમસ્યા માત્ર ટ્રાફિકની નથી. પરંતુ તંત્રની નિષ્ફળતા અને લોકો પ્રત્યેની ઉપેક્ષાનો પુરાવો છે. જો તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરીને ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો લોકોનો રોષ જ્વાળામુખીની જેમ ફાટી નીકળશે. અને તેની જવાબદારી સીધી રીતે તંત્રની રહેશે તેવું પંથકના નાગરિકો જણાવી રહ્યા છે.

વાહનચાલકોની વેદના શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. રોજ સવારે અને સાંજે કામ પર જવા-આવવા માટે ટ્રાફિકજામમાં અટવાવું એ તેમની નિયતિ બની ગઈ છે. એક વાહનચાલકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, “અમને સમજ નથી પડતી કે અમારો ગુનો શું છે. અમે ટેક્સ ભરીએ છીએ, કાયદાનું પાલન કરીએ છીએ, તેમ છતાં અમારે રોજ આ પીડા ભોગવવી પડે છે? માત્ર પાંચ મિનિટનો રસ્તો કાપવામાં કલાકો વીતી જાય છે. જેના કારણે અમે સમયસર ઘરે પહોંચી શકતા નથી. આ સમસ્યાથી અમારું માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે. ત્યારે તાકીદે આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ, 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!