ભરૂચની એક માતા પાસેથી તેના ત્રણ માસના બાળકને તેનો પતિ તેમજ સગા-સંબંધીઓ તેમની સાથે લઇ ગયા હતા. અને ત્રણ દિવસ સુધી પરત ન કરતા માતાએ ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

બાળકની માતાની ફરિયાદ સંદર્ભે મહિલા પોલીસે એક્શનમાં આવી ત્વરિત કાર્યવાહી હાથ ધરી બાળકને તેની માતાને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ ભરૂચના મહીલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ ચૌધરી તથા પોલીસ સબ ઇન્સપેકટર વૈશાલી એ.આહિર તથા મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પિડીત મહીલાઓની મદદ કરવા પ્રયત્નશીલ હતા.

જેમા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બહેનને બોલાવી પુછપરછ કરતા તેઓએ જણાવ્યુ હતું કે તેમના પતિ તથા સાસુ અને માસી સાસુ તેમના ત્રણ મહીનાના બાળકને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાંથી તેમની સાથે લઈ ગયા હતા. અને ત્રણ દિવસ સુધી તેઓનું બાળક પરત આપેલ ન હતુ. જેથી તેઓએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. જેથી આજરોજ ફરિયાદીના પતિ તેમની મમ્મી અને માસીને બોલાવી કાઉન્સેલીંગ કરાવતા તેમની પાસેથી ત્રણ મહીનાના બાળકને મહીલા પોલીસ ટીમે પરત અપાવ્યુ હતું. માસૂમ બાળક પરત મળતા બાળકની માતા ગદગદિત થઈ ગયા હતા. અને મહિલા પોલીસનો આભાર માન્યો હતો. ઉકત કામગીરી પાર પાડવામાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર. કે.એમ. ચૌધરી તેમજ સબ ઇન્સપેક્ટર વૈશાલી.એ.આહિરની સાથે હેડ કોન્સ્ટેબલ અલ્પાબેન મતાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સદ્દામ.બી.ભટ્ટી, ભરૂચ









