અંકલેશ્વર જીઆઈડીસીની શ્રી મહાદેવ ઈન્ટરમીડિએટ કંપનીમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં સુરક્ષાના ખોખલા દાવાઓ વચ્ચે એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જીતાલી ગામના વતની ૪૦ વર્ષીય કલ્પેશભાઈ નાનુભાઈ વસાવા ગત ૩૦ ઓગસ્ટે કંપની પરિસરમાં કામ અર્થે ગયા હતા, જ્યાં ખુલ્લી રહેલી ભૂગર્ભ પાણીની ટાંકીમાં અકસ્માતે પડી જતાં તેઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. શિફ્ટ પૂર્ણ થયા બાદ પણ કલ્પેશભાઈ ઘરે ન પહોંચતા ચિંતાતુર બનેલા પરિવારે સગા-સંબંધીઓમાં ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ સગડ મળ્યા ન હતા.આખરે પરિવારે કંપની પરિસરમાં જઈ ખૂણે-ખૂણો ફેંદી મારતાં સતત બે દિવસની અથાક તપાસ બાદ ટાંકીના ઊંડા પાણીમાંથી કલ્પેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસથી લાપતા બનેલા સ્વજનનો મૃતદેહ નજરે પડતાં જ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર માહોલ કરુણ રૂદનથી ગૂંજી ઊઠ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર અંકલેશ્વરના શ્રમિક આલમમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે. ઘટનાની ભયાનકતા જોઈ દોડી આવેલી જીઆઈડીસી પોલીસે મૃતદેહને ટાંકીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને કંપનીની બેદરકારી તથા અકસ્માતના સાચા કારણો પરથી પડદો ઊંચકવા કાયદેસરની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.









