આમોદના રોઝા ટંકારીઆ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ખુશીએ ધોરણ-૮માં ભણતર અધવચ્ચે થી છોડી દીધું હતું.પરંતુ GSOS થકી નવેસરથી અભ્યાસ શરુ કરી ધોરણ-૧૦ માં ૫૨ ટકા સાથે સફળતા મેળવી હતી. ધોરણ-૧૨માં ૭૮% સાથે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને હવે B.Com.ના અભ્યાસ તરફ આગેકૂચ કરી છે.ક્યારેક એક નાનો પ્રયાસ પણ કોઈના સમગ્ર જીવનની દિશા બદલી શકે છે. તેનો ઉત્તમ ઉદાહરણ આમોદ તાલુકાની રોઝા ટંકારીઆ પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થીનીની સફળતાની કહાની તેનું જીવંત દૃષ્ટાંત બની છે. એક સમયે ધોરણ-૮ બાદ અભ્યાસ છોડી ચૂકેલી ખુશી મકવાણા આજે ઉચ્ચ શિક્ષણ તરફ આત્મવિશ્વાસભેર આગળ વધી રહી છે.વર્ષ ૨૦૨૩માં રોઝા ટંકારીઆ પ્રાથમિક શાળાના તસ્નીમબેન ઠુંઠીવાલા તથા જ્યેશભાઈ પઢીયાર દ્વારા કરવામાં આવેલી મુલાકાત દરમિયાન ખુશી મકવાણાનું ભણતર વચ્ચેથી અટકી ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું. સામાન્ય બાબત સમજીને તેને નજર અંદાજ કરવાને બદલે, શિક્ષણ સાથે ફરી જોડવાની દિશામાં પ્રયાસ શરૂ કરવામાં આવ્યો.ખુશીના વાલીનો સંપર્ક કરી તેમની સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી, અને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંગે સમજ આપવામાં આવી. શરૂઆતમાં વાલી તરફથી થોડી ખચકાટ હતી, પરંતુ ખુશીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમને સમજાવવામાં આવ્યા. અંતે વાલી સંમત થયા અને ખુશીને GSOS મારફતે ફરી અભ્યાસ સાથે જોડવામાં આવી.૫૨ ટકાથી શરૂ થયેલી સફર ૭૮ % સુધી પહોંચી.અભ્યાસમાં પુનઃપ્રવેશ બાદ ખુશીએ મહેનત અને આત્મવિશ્વાસ સાથે ધોરણ-૧૦ની પરીક્ષા ૫૨% ગુણ સાથે પાસ કરી.આ સફળતા તેના માટે માત્ર પરીક્ષા પાસ કરવાની ઘટના નહોતી, પરંતુ અધવચ્ચે અટકેલા ભણતરને ફરી શરૂ કરવાની મોટી જીત હતી.આ સફળતાથી ખુશીનો આત્મવિશ્વાસ વધ્યો. ત્યારબાદ તેણે કોલવણા હાઈસ્કૂલમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ધોરણ-૧૧માં પ્રવેશ મેળવી નિયમિત અભ્યાસ શરૂ કર્યો.ખુશીની મહેનત રંગ લાવી અને ધોરણ-૧૨ ની બોર્ડ પરીક્ષામાં ૭૮ % ગુણ મેળવી તેણે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. જે વિદ્યાર્થીનીએ એક સમયે ધોરણ-૮ બાદ અભ્યાસ છોડી દીધો હતો, એ જ વિદ્યાર્થીનીનું ધોરણ-૧૨ માં શાળામાં પ્રથમ આવવું સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણાદાયી સિદ્ધિ બની છે.ખુશી અહીં અટકી નથી. પોતાની સફળતાની સફરને આગળ ધપાવતા તેણે હાલમાં B.Com.માં પ્રવેશ મેળવી ઉચ્ચ શિક્ષણનો પ્રારંભ કર્યો છે.ખુશીની આ કહાની સાબિત કરે છે કે વિદ્યાર્થી અભ્યાસથી દૂર થયો હોય એટલે તેનું ભવિષ્ય પણ અટકી ગયું હોય એવું નથી. યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન, વાલીઓનો સહયોગ અને શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા મળે તો ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓ પણ ફરી મુખ્ય પ્રવાહમાં આવીને મોટી સિદ્ધિ મેળવી શકે છેએક વિદ્યાર્થીનીની સફળતા, અનેક બાળકો માટે આશાનું કિરણ બની શકે છે.ખુશી મકવાણાની સફર માત્ર વ્યક્તિગત સફળતાની ગાથા નથી, પરંતુ ‘કોઈ બાળક ભણતરથી વંચિત ન રહે’ તે દિશામાં કરવામાં આવતા પ્રયાસોની સફળતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.GSOS જેવી વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ કરીને અભ્યાસ છોડી ચૂકેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવામાં આવે તો અનેક ખુશીઓના જીવનમાં શિક્ષણની નવી રોશની પ્રગટાવી શકાય છે.ધોરણ-૮ માં અટકેલું એક સપનું આજે B.Com.સુધી પહોંચ્યું છે.









