વાગરા તાલુકામાં કેમિકલ માફિયાની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જાહેર માર્ગ પર ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતા ટેન્કરને વાગરા પોલીસે ઝડપી પાડી ચાલકની ધરપકડ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. એચ.પી. પેટ્રોલ પંપથી જી.ઈ.બી. ચોકડી વચ્ચે પસાર થઈ રહેલા ટેન્કર નંબર GJ 18 BV 6699માંથી અત્યંત તીવ્ર વાસ ધરાવતું કેમિકલયુક્ત પ્રવાહી રોડ પર ઢોળાઈ રહ્યું હતું, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા.

પોલીસ તપાસ દરમિયાન ટેન્કરના પાછળના ભાગે આવેલો મુખ્ય વાલ્વ ખુલ્લો હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલા ચાલક શિવશંકર દેવીયાલ પાલે ટેન્કર દહેજ સ્થિત GFL કંપનીમાંથી લોડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ ટેન્કરનો વાલ્વ કંપનીમાંથી નીકળતી વખતે જ ખુલ્લો હોવાનું પણ જણાવ્યું હતું, જેના કારણે હવે કંપની મેનેજમેન્ટની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

શું સુરક્ષા ચેકિંગ વગર જ જોખમી કેમિકલ ભરેલું ટેન્કર બહાર જવા દેવામાં આવ્યું હતું? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા









