વાગરા મતગણતરી કેન્દ્ર ખાતે મીડિયા કર્મી “પત્રકાર કક્ષ “ની શોધમાં,વહીવટી તંત્રની અણઆવડત કે કિન્નાખોરી….!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા વિધાનસભા બેઠકની મતગણતરી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. એમ. એમ. પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરીની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં મીડિયા કર્મીઓ માટે પ્રાથમિક સુવિધા સમાન “મીડિયા કક્ષ”નો સદંતર અભાવ જોવા મળતા પત્રકાર આલમમાં ભારે રોષ અને નારાજગી વ્યાપી ગઈ છે. ચૂંટણી પંચના સ્પષ્ટ દિશાનિર્દેશો હોવા છતાં, તંત્ર દ્વારા કરવામાં આવેલી આ અવગણનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે, કોઈપણ ચૂંટણીની મતગણતરી વખતે મીડિયા માટે બેસવાની વ્યવસ્થા, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, પીવાનું પાણી અને મિનિટ-ટુ-મિનિટના સચોટ અપડેટ્સ માટે અલાયદો કક્ષ ફાળવવો ફરજિયાત હોય છે. જોકે, વાગરા મતગણતરી કેન્દ્ર પર આવી કોઈ જ વ્યવસ્થા જોવા મળી નહોતી.

પરિણામે, કાળઝાળ ગરમી અને અફરાતફરી વચ્ચે પત્રકારોને ઉભા રહીને કવરેજ કરવાની ફરજ પડી હતી.આધુનિક સમયમાં જ્યારે ટીવી ચેનલો અને ડિજિટલ મીડિયા દ્વારા પળેપળની વિગતો જનતા સુધી પહોંચાડવાની હોય છે, ત્યારે ઈન્ટરનેટ અને બેઠક વ્યવસ્થાના અભાવે પત્રકારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રાઉન્ડ વાઈઝ આંકડાકીય વિગતો મેળવવા માટે મીડિયાએ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. વહીવટી તંત્રના તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવાના પોકળ દાવાઓની પોલ અહીં ઉઘાડી પડી ગઈ હતી. ચૂંટણી જેવી સંવેદનશીલ અને પવિત્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે જોવાની જવાબદારી મીડિયાની છે. પરંતુ, મીડિયાને જ પાયાની સુવિધાઓથી વંચિત રાખી તંત્રએ પોતાનું કયું ધાર્યું નિશાન પાર પાડવા આ પ્રકારની કામગીરી કરી છે તે બાબત તપાસ માંગી લે છે. સ્થાનિક પત્રકારોએ ચૂંટણી તંત્ર પર આકરા પ્રહારો સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક લેવાની માંગ સાથે ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ લોકશાહીના મજબૂતીકરણની વાતો થાય છે અને બીજી તરફ તેની માહિતી પહોંચાડતા માધ્યમો સાથે આવું ઓરમાયું વર્તન કરવામાં આવે છે, જે અત્યંત નિંદનીય છે.

જગ્યાના અભાવનું લુ લુ બહાનું આગળ ધરી જવાબદારીમાંથી છટકતા રિટર્નિંગ ઓફિસર…!!!

વાગરા મતગણતરી કેન્દ્ર પર મીડિયા કક્ષના અભાવે સર્જાયેલા વિવાદ અંગે જ્યારે રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામીતનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે એક ચોંકાવનારું કારણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જગ્યાનો અભાવ હોવાને કારણે મીડિયા કક્ષની વ્યવસ્થા કરી શકાઈ નથી. વહીવટી તંત્રના આ નિવેદને પત્રકારોમાં વધુ રોષ જગાવ્યો છે. પત્રકારોનું માનવું છે કે, ચૂંટણી જેવી રાષ્ટ્રીય કક્ષાની કામગીરીમાં જ્યાં મહિનાઓ અગાઉથી આયોજન થતું હોય, ત્યાં જગ્યાની અછતનું બહાનું ધરીને લોકશાહીના ચોથા સ્તંભની સુવિધાઓમાં કાપ મૂકવો એ તંત્રની નિષ્ફળતા અને બિનજવાબદાર વલણ દર્શાવે છે.વધુમાં તંત્ર કોઈ રાજકીય પક્ષના ઈશારે પોતાનો મલિન ઈરાદો પાર પાડવા મીડિયા ને મતગણતરી થી દુર રાખવા માંગતું નથી ને તેવા સવાલો હાલ ચર્ચાની એરણે ચઢયા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!