દહેજ : વિશ્વાસઘાતનું પરિણામ જેલ, દહેજ પોલીસની બાજ નજરથી ન બચી શક્યો ૨ દાયકાથી ફરાર રીઢો ગુનેગાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કાનૂન કે હાથ લંબે હોતે હૈ આ કહેવતને દહેજ પોલીસે સાર્થક કરી બતાવી છે. વર્ષ ૨૦૦૨માં વિશ્વાસઘાત અને ચોરીના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા ૨૪ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી અંતે પોલીસના સકંજામાં આવી ગયો છે. દહેજ પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સચોટ સમન્વય કરી રાજસ્થાનના લાલસોટ ખાતેથી આ રીઢા ગુનેગારને દબોચી લેવામાં સફળતા મેળવી છે. ઘટનાની વિગત એવી છે કે, વર્ષ ૨૦૦૨માં દહેજની બિરલા કોપર કંપનીમાંથી અંદાજે ૧૧,૨૮૯ કિલોગ્રામ કોપર જેની કિંમત રૂ. ૧૪,૫૩,૭૮૬/- જે ભરીને અલ્હાબાદ જવા નીકળેલી ટ્રકનો ડ્રાઈવર માલસામાન બારોબાર સગેવગે કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે દહેજ પોલીસ મથકે આઈ.પી.સી. કલમ ૪૦૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ છેલ્લા ૨૪ વર્ષથી પોલીસની પકડથી દૂર રહી અલગ-અલગ રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવી રહ્યા હતા.

ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને દહેજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો.અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલા અને તેમની ટીમે આ જૂના કેસની ફાઈલ ફરી ખોલી હતી. બાતમીદારો અને મોબાઈલ લોકેશનના આધારે જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી ચંદ્રપાલ ગુર્જર હાલમાં મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ ટ્રક લઈને જઈ રહ્યો છે. દહેજ પોલીસની ટીમે તાત્કાલિક હરકતમાં આવી રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને આરોપીને જીવંત ઝડપી પાડ્યો હતો. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ્યો છે. પોલીસની આ કામગીરી સાબિત કરે છે કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય અને ભલે ગમે તેટલા વર્ષો વીતી જાય, પણ કાયદાના શિકંજામાંથી બચવું અશક્ય છે. દહેજ પોલીસની આ સફળતાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સફળ કામગીરીમાં પી.આઈ. એચ.બી. ઝાલા, પી.એસ.આઈ. એન.આર. પાથર તેમજ હેડ કોન્સ્ટેબલ દિપજયભાઈ, સેતાનસિંહ, પરેશભાઈ, જીતેશકુમાર, નિલાભાઈ, અરવિંદકુમાર અને હિતેશકુમાર જેવા બાહોશ પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા- દહેજ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!