ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તેગવા ગામ નજીક લગ્ન પ્રસંગ પતાવી પરત આવતા ત્રણ સવારી બાઈક વીજ પોલ સાથે અથડાતા એક યુવકનું મોત નીપજ્યું હતું.જ્યારે બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા.આમોદના માંડવા ફળિયા ખાતે રહેતા ત્રણ મિત્રો રાહુલ રાઠોડ ઉ.વ.૨૧,સાગર રાઠોડ ઉ.વ.૨૨ તેમજ જગદીશ રાઠોડ ઉ.વ.૨૪ આમોદના મુકેશ લક્ષ્મણ રબારીની બાઈક લઈને રાત્રીના સમયે લગ્ન પ્રસંગમા ગયા હતા.લગ્ન પ્રસંગ પતાવીને આમોદ ઘરે પરત આવતા હતા ત્યારે રાત્રીના એક કલાકે નાહીયેર ગામ નજીક મામાદેવની ડેરી પાસે બાઈક રોડની બાજુમા આવેલ ઈલેક્ટ્રીક થાભલા સાથે ભટકાઈ હતી.જેથી ત્રણેય મિત્રો માર્ગ પર પટકાતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.બાઈકની પાછળ બેઠેલા રાહુલભાઇ રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને જગદીશને મોઢાના ભાગે તથા ખભાના ભાગે ઇજા થઇ હતી.જ્યારે બાઈક ચાલક સાગર રાઠોડને ખભા તેમજ પગે ઘૂંટણના ભાગે ઇજા થઇ હતી.જેથી ત્રણેયને ૧૦૮ એમ્બયુલન્સ મારફતે આમોદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પર હાજર તબીબે રાહુલ મેલાભાઈ રાઠોડને મૃત જાહેર કર્યો હતો.પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ નો કબજો સોંપ્યો હતો.

આમોદ પોલીસ મથકે મૃતકના પિતા મેલાભાઈ નગીન રાઠોડે ફરિયાદ આપતા પોલીસે બાઈક ચાલક સામે અક્સ્માત મોત નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતની વાત વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.

જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઈજાઓને કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે રાહુલના પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસે સ્થળ પર દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સદ્દામ બી. ભટ્ટી આમોદ









