જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
ડભોઇ બીઆરસી ભવન ખાતે આઈ સી.ડી.એસ દ્વારા પોષણ ઉત્સવ ૨૦૨૪ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પટેલ અશ્વિનભાઈ વકીલનીં અધ્યક્ષતામાં આજરોજ યોજાયો હતો.આંગણવાડીની તમામ યોજનાઓ વિશે સીડીપીઓ શિલ્પાબેન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો, કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશન (બાળ શક્તિ, પુણા શક્તિ, માતૃશક્તિ) નો ઉપયોગ કરી અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન, મિલેટ્સથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી ઓનું નિદર્શન કર્યું હતું. ડભોઇ તાલુકા ઘટક એક અને બે ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પોષણ ઉત્સવને જન ભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે. રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે. આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનો દ્વારા ક્વીઝ સ્પર્ધા, આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ મિલેટ અને થર માંથી વાનગી સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં ભાગ લેનાર પૈકી પ્રથમ, બીજા નંબર અને ત્રીજા નંબરની બહેનોને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી, કો-ઓર્ડીનેટર સ્મિતાબેન વૈષ્ણવ સી.ડી.પી.ઓ શિલ્પાબેન પટેલ તથા ઉપસ્થિત મહાનુભવોના હસ્તે ઈનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણ વાડી કાર્યકરો અને મુખ્ય સેવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ









