ભરૂચનું સખી વન સ્ટોપ સેન્ટર ૧૩૨૬ કેસોનું સુખદ સમાધાન કરી મહિલાઓ માટે આશાનું કિરણ અને સુરક્ષાનું મજબૂત આધારસ્તંભ બન્યું હતું.આધુનિક યુગમાં મહિલાઓ સમાજના વિકાસનું મુખ્ય પાયો છે. તેમ છતાં, ઘણી મહિલાઓ હજુ પણ પારિવારિક હિંસા, માનસિક ત્રાસ, શારીરિક શોષણ અને અન્ય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આમાં સૌથી વધુ પ્રભાવશાળી અને મહિલાઓ માટે આશીર્વાદરૂપ યોજના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ (Sakhi One Stop Centre – OSC) છે. આ યોજના ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નિર્ભયા ફંડ હેઠળ શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં તેને ‘સખી’ તરીકે ઓળખવામાં આવે છે.સખી વન સ્ટોપ સેન્ટર એક એવું કેન્દ્ર છે જ્યાં હિંસાથી પીડિત અથવા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની સહાય મળે છે. આ કેન્દ્ર ૨૪ કલાક અને ૩૬૫ દિવસ કાર્યરત રહે છે. અહીં મેડિકલ સહાય, કાનૂની સલાહ, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, અસ્થાયી આશ્રય, પોલીસ સહાય અને અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ છે. ગુજરાતમાં દરેક જિલ્લામાં આ કેન્દ્રો સ્થાપિત છે, જેમાં ભરૂચ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર પણ કામગીરી બજાવી રહ્યું છે.સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે ઓગસ્ટ -૨૦૧૯ થી ફેબ્રુઆરી – ૨૦૨૬ સુધીમાં ૧૮ વર્ષથી નાની ઉંમરના, ઘરેલું હિંસાના, કાઉન્સેલીંગ, તબીબી સહાય, કાનૂની માર્ગદર્શન, પોલીસ સેવા, આશ્રય કુટુંબ સાથે પુન:સ્થાપન વગેરે જેવા અલગ – અલગ મુદ્દાઓને લઈને અત્યાર સુધીમાં કુલ ૧૩૨૬ જેટલા કેસોનું સુખદ સમાધાન કરાવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટરની પ્રશંસનીય કામગીરી…
ભરૂચ જિલ્લામાં ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં મહિલાઓને પારિવારિક મુશ્કેલીઓ, માનસિક તણાવ અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીં સખી વન સ્ટોપ સેન્ટર જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે અને તેની કામગીરી અત્યંત સંવેદનશીલ અને માનવતાપૂર્ણ છે. આ કેન્દ્રમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા અનેક મહિલાઓ આશ્રય લે છે. અહીં આવતી મહિલાઓને તાત્કાલિક આશ્રય, કાઉન્સેલિંગ અને જરૂરી સારવાર, ભોજન આપવામાં આવે છે. ખાસ કરીને માનસિક રીતે અસ્વસ્થ અથવા ભૂલાયેલી મહિલાઓ માટે આ કેન્દ્ર આશાનું કિરણ બની રહ્યું છે. અને આ સખી સેન્ટરમાં કિચન ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે જેમાં ત્યાંની મહિલાઓ કાર્ય કરતી હોય છે અને એક પોતાના ઘર જેવો અનુભવ મળે છે.તાજેતરમાં એક માનસિક રીતે અસરગ્રસ્ત મહિલાને ૧૮૧ હેલ્પલાઇન દ્વારા આશ્રય આપવામાં આવ્યો. સતત કાઉન્સેલિંગ દરમિયાન તેણીએ પોતાના ગામનું નામ જણાવ્યું. કર્મચારીઓએ ગૂગલ મેપ અને અન્ય માધ્યમો દ્વારા તપાસ કરી, જે તે જિલ્લાના સખી કેન્દ્ર સાથે સંપર્ક કર્યો અને મહિલાને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું. આવા અનેક કિસ્સાઓમાં પોલીસ અને અન્ય સંસ્થાઓની મદદથી મહિલાઓને તેમના પરિવાર સાથે જોડવામાં આવે છે.તેમની સમસ્યાઓનો સુખદ અંત લાવવામાં આવે છે.આ ઉપરાંત, ભરૂચમાં સખી કેન્દ્ર દ્વારા આંગણવાડી બહેનો અને સમુદાયમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી વધુને વધુ મહિલાઓ આ સુવિધાથી અવગત થાય.
ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ









